કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈમોશનલ કેમ થઈ ગયા ટોમ ક્રુઝ?

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025નો બીજો દિવસ હોલીવુડ સ્ટાર ટોમ ક્રૂઝ અને તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘મિશન ઇમ્પોસિબલ: ફાઇનલ રેકનિંગ’નો રહ્યો. બીજા દિવસે જ્યારે ટોમ ક્રૂઝ કાન્સના રેડ કાર્પેટ પર પહોંચ્યા ત્યારે લોકોનો ઉત્સાહ ઘણો વધી ગયો. આ પછી,’મિશન ઇમ્પોસિબલ: ફાઇનલ રેકનિંગ’નું પ્રીમિયર થયું. કાન્સમાં આ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો.’મિશન ઇમ્પોસિબલ:ફાઇનલ રેકનિંગ’ ને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું અને લોકો લાંબા સમય સુધી ફિલ્મને તાળીઓથી વધાવતા રહ્યા. આ જોઈને ટોમ ક્રૂઝ ભાવુક થઈ ગયા.

ટોમ ક્રૂઝે લોકોનો આભાર માન્યો

કાન્સમાં ‘મિશન ઇમ્પોસિબલ: ફાઇનલ રેકનિંગ’ ને મળેલા પ્રતિસાદથી ફિલ્મની આખી ટીમ અત્યંત ખુશ અને ભાવુક હતી. મિશન ઇમ્પોસિબલ ફ્રેન્ચાઇઝીના છેલ્લા ભાગ સાથે તેને અલવિદા કહેતી વખતે ટોમ ક્રૂઝ ભાવુક થઈ ગયા. ટોમ ક્રુઝે પ્રેક્ષકોનો તેમના જબરદસ્ત સમર્થન બદલ આભાર માન્યો. આ પ્રસંગે હોલીવુડ સ્ટારે કહ્યું,”આ પ્રતિક્રિયા છે જે આપણને આ કરવા માટે મજબૂર કરે છે. તમે જ અમને આ કરવા માટે મજબૂર કરો છો. મોટા પડદાનો અનુભવ જ આપણને આ કરવા માટે મજબૂર કરે છે.”

‘મિશન ઇમ્પોસિબલ: ફાઇનલ રેકનિંગ’ના ડિરેક્ટર ક્રિસ્ટોફર મેકક્વારીએ કહ્યું,”અહીં આવવા અને અમને ટેકો આપવા બદલ આપ સૌનો આભાર. હું આ અસાધારણ અને અદ્ભુત કલાકારોનો આભાર માનવા માંગુ છું. જ્યારે હું તમને કહું છું કે તેઓ કેટલા અસાધારણ છે, ત્યારે તે ફક્ત દરરોજ કામ પર આવવા બદલ નહોતું. આ ફિલ્મ મહામારી અને બે ઉદ્યોગ હડતાળ દરમિયાન બનાવવામાં આવી હતી. આ બંને ફિલ્મો સાત વર્ષના સમયગાળામાં ભારે મુશ્કેલીઓ વચ્ચે બનાવવામાં આવી હતી. અહીં ઉભા રહેલા આ બધા લોકોની મહેનત વિના આ ફિલ્મ શક્ય ન હોત.આ દુનિયાના સૌથી અસાધારણ કલાકારો છે.” ફિલ્મના પ્રીમિયર દરમિયાન ફિલ્મની આખી કાસ્ટ જોવા મળી હતી.

આ ફિલ્મ ભારતમાં 17 મેના રોજ રિલીઝ થશે
‘મિશન ઇમ્પોસિબલ: ફાઇનલ રેકનિંગ’ ભારતમાં 17 મેના રોજ રિલીઝ થઈ રહી છે, જે વિશ્વભરમાં રિલીઝ થવાના છ દિવસ પહેલા છે. આ ફિલ્મ માટે ટોમે પોતાના સ્ટંટનું સ્તર અપગ્રેડ કર્યું છે. ભારતમાં દર્શકોનો ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ એ વાત પરથી અંદાજી શકાય છે કે ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ માત્ર 24 કલાકમાં 11,000 થી વધુ ટિકિટો વેચાઈ ગઈ. અત્યાર સુધીમાં ફિલ્મની કુલ 45 હજાર ટિકિટ વેચાઈ ગઈ છે.