કેન્દ્રીય કેબિનેટે ગુજરાતને આપી મોટી ભેટ

આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં મોદી સરકાર દ્વારા કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ના વિકાસને મંજૂરી આપી છે.ઉપરાંત 2028 સુધી ફ્રી રાશન આપવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. કેબિનેટ મીટિંગમાં લેવાયેલા ફેંસલા અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમકેએવાય) તથા અન્ય કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત જુલાઈ 2024 થી ડિસેમ્બર 2028 સુધી ફ્રી ફોર્ટિફાઇડ ચોખાનો જથ્થો આપવાનો ફેંસલો કર્યો છે. તેનો કુલ ખર્ચ 17,082 રૂપિયા આવશે. આ ખર્ચ કેન્દ્ર સરકાર ઊઠાવશે.

એપ્રિલ 2022 માં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) એ માર્ચ 2024 સુધીમાં તબક્કાવાર રીતે સમગ્ર દેશમાં ચોખાનું વિતરણ કરવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધીમાં તેને ત્રણ તબક્કામાં સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ગરીબોને મફત ફોર્ટિફાઇડ ચોખાના સપ્લાયથી એનિમિયા અને સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ ઓછી થશે.

કેબિનેટે રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં રસ્તાઓને પણ મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં 2,280 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવશે, જેના માટે 4,406 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સિવાય કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ના વિકાસને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે.