રાજ્ય સરકારે રાજ્યની GIDCમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો

રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજયમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં 05 ચો.મીથી લઈને 3૦૦ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે.

મહત્વના નિર્ણય અંગે રાજ્ય સરકારે નવી નીતિ અમલી કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ મહત્વના નિર્ણય અંગે રાજ્ય સરકારે નવી નીતિ અમલી કરી છે. એની ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જાહેરાત કરતા મંત્રી રાજપૂતે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “આત્મ નિર્ભર ભારત”ના સપનાને સાકાર કરવા ગુજરાતે પણ “આત્મ નિર્ભર ગુજરાત” થકી “આત્મ-નિર્ભર ભારત”ના નિર્માણનું સપનું સેવ્યું છે. તેને સાકાર કરવામાં આ નિર્ણય મહત્વનો સાબિત થશે.

પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશભરમાં મોખરે

તેમણે ઉમેર્યું કે, ગુજરાત આજે પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશભરમાં મોખરે રહ્યું છે, જેના પરિણામે રોલ મોડલ ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારો આજે મીટ માંડીને બેઠા છે. જે માત્રને માત્ર રાજ્ય સરકારની પારદર્શી અને ટેકનોસેવી નીતિઓને પરિણામે શક્ય બન્યું છે. રાજયમાં આવા ઉદ્યોગો થકી સ્થાનિક રોજગારીનું વધુને વધું સર્જન થાય એ આશયથી આ નીતિ અમલી કરાશે.

7,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત

મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જી.આઇ.ડી.સી.ની રચના કરવામાં આવી હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જી.આઇ. ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામ્યાછે. આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. આ બાબતો ધ્યાને લઇ જી.આઇ.ડી.સી દ્વારા આવા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો છે, જે આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે. જી.આઇ.ડી.સીએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને પુષ્કળ તકો આપી મહત્વની ભૂમિકા અદા કરી છે. ગુજરાતમાં હાલમાં 220કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે. જેમાં 7૦,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, આ તમામને આ નીતિનો લાભ મળશે.

બાંધકામ નિયત કરવા માટે રૂ.3૦૦૦ની ફી ભરવાની

આ નવી નીતિના અમલથી જીઆઈડીસીમાં 50 ચો.મીથી લઈને 3૦૦ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમીત કરાશે. તેમણે નિયત કરાયેલા દરોની વિગતો આપતા કહ્યું કે, કુલ બાંધકામ 50 ચો.મી. સુધીનું બાંધકામ નિયત કરવા માટે રૂ.3૦૦૦ની ફી ભરવાની રહેશે. એ જ રીતે કુલ બાંધકામ 50 ચો.મી.થી વધુ અને 1૦૦ ચો.મી. સુધી રૂ. 3૦૦૦ વત્તા વધારાના રૂ.3૦૦૦,કુલ બાંધકામ 1૦૦ ચો.મી. થી વધુ અને 2૦૦ ચો.મી સુધી રૂ.6૦૦૦ વત્તા વધારાના રૂ.6૦૦૦, કુલ બાંધકામ 2૦૦ ચો.મી. થી વધુ અને 3૦૦ ચો.મી સુધી રૂ. 12૦૦૦ વત્તા વધારાના રૂા.6૦૦૦, તેમજ કુલ બાંધકામ 3૦૦ ચો.મી. થી વધુ માટે રૂ.18૦૦૦ વત્તા વધારાના રૂ.150 પ્રતિ ચો.મી 3૦૦ ચો.મી.થી વધારાના વિસ્તાર માટે ભરવાના રહેશે.