અમદાવાદ : ગુજરાતમાં જ્યારથી વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી તમામ પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે. તમામ પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપ પણ મેદાનમાં ઉતરી ગઈ છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની નિકોલ બેઠકના ઉમેદવાર પ્રચારમાં ચા વેચતા જોવા મળ્યા હતા.
ધારાસભ્યએ બનાવી ચા
ચૂંટણી આવે એટલે ઉમેદવારો જીતવા માટે અવનવા કાર્યક્રમો કરે, સભા કરે, સરઘસ કરે, જનસંપર્ક યાત્રા કરે, પદયાત્રા કરે, બાઇક અને કાર રેલી કરીને શક્તિ પ્રદર્શન કરતા હોય છે. કેટલાક ઉમેદવારો હાઇપ્રોફાઇલ થઇ જાય તો કેટલાક લોપ્રોફાઇલ મળતાવડા એકદમ જમીનથી જોડાયેલા હોય એવું પ્રસ્થાપિત કરે છે. ત્યારે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની નિકોલ બેઠકના ઉમેદવાર જગદીશ પંચાલ કાર્યકર્તાઓ સાથે પ્રચારમાં નિકળ્યા હતા. પગપાળા પ્રચારમાં નિકળેલા ભાજપાના ઉમેદવારને ચાની કિટલી જોતાની સાથે જ ચા બનાવવાનું મન થઇ ગયું. કિટલી પર ઉમેદવારે ચા બનાવી હતી. આ ચાની મજા કાર્યકર્તાઓ અને લોકો માણી હતી.
ચૂંટણીના પ્રચારમાં ચાનું મહત્વ વધ્યું
નરેન્દ્ર મોદી ચા વેચતા એવી બધાને ખબર પડ્યા પછી ચા અને ચાની કિટલી અને ચા વાળાનું મહત્વ વધી ગયું છે. એટલે ચાય પે ચર્ચા ના નામે કાર્યક્રમો પણ ખૂબ જ યોજાય છે. ત્યારે હવે લોકોને આકર્ષવા માટે ઘણા ઉમેદવારો પણ ચાની કિટલીએ જઈને ચા વેચવા લાગે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)