અમદાવાદમાં જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહેલ છે. સાથે સાથે આસ્થા, ઉર્જા અને એકતાના કેન્દ્રસમા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અવનવા સામાજિક તેમજ ધાર્મિક પ્રસંગોનું આયોજન પણ કરવામાં આવી રહેલ છે. તે અંતર્ગત વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે કરોડો પાટીદારોના કુળદેવી જગત જનની મા ઉમિયાના સ્મૃતિ મંદિરના ચતુર્થ પાટોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે.
વિશ્વના 5 દેશોમાં ઉજવાશે પાટોત્સવ
અમદાવાદના જાસપુર ખાતે 28 અને 29 ફેબ્રુઆરીના રોજ ચતુર્થ પાટોત્સવનું આયોજન કરાશે જેમાં 2 દિવસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરના ચતુર્થ પાટોત્સવ નિમિતે નવચંડી યજ્ઞ, અન્નકૂટ તથા ધ્વજારોહણ જેવા ધાર્મિક પ્રસંગોનું આયોજન કરાયું છે. વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરના ચતુર્થ પાટોત્સવ પ્રસંગની વાત કરતા સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી પટેલ જણાવે છે કે જગત જનની મા ઉમિયાનો ચતુર્થ પાટોત્સવ ન માત્ર જાસપુર પરંતુ વિશ્વના 5 દેશોમાં ઉજવાશે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુનાઈટેડ કિંગડમમાં માતાજીનો પાટોત્સવની ઉજવણી કરાશે. સાથો સાથ ગુજરાતના વિવિધ 33 જિલ્લાઓમાં પણ પાટોત્સવની ઉજવણી કરાશે. જેમાં દેશઅને દુનિયાના હજારો ઉમાભક્તો જોડાશે.
પાટોત્સવ નિમિતે અંગદાનના સંકલ્પ લેવડાવામાં આવશે
મહત્વનું છે કે વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરના ચતુર્થ પાટોત્સવ નિમિતે અંગદાનના સંકલ્પ લેવડાવામાં આવશે. આ ઉપરાંત સમાજની પ્રવૃતિમાં જોડાયેલા સમયદાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવશે. સાથો સાથ 28 ફેબ્રુઆરીએ વિશ્વઉમિયાધામ ખાતે બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કરાયું છે.
28 ફેબ્રુઆરી, બુધવારના કાર્યક્રમ
- બપોરે 02:00 થી 04:00–રંગોળી અને મહેંદી સ્પર્ધા
- બપોરે 03.00 થી 07.00—બિઝનેસ કોન્ક્લેવ
- બપોરે 03.00 થી 07.00— બ્લડ ડોનેશન કેમ્પ
- સાંજે 07.00 થી 07.30 –અંગદાન જાગૃતિ સેમિનાર
- સાંજે 07.30- ભોજન પ્રસાદ
29 ફેબ્રુઆરી, ગુરુવારના કાર્યક્રમ
- સવારે 08:30 કલાકે—ધ્વજારોહણ
- સવારે 09.00 કલાકે—નવચંડી યજ્ઞ
- સવારે 09.10 થી 01.00 – નિશુલ્ક આંખ,કાન,નાક,ગળા,હૃદય,ફેફસા, ડેન્ટલ, જનરલ ફિઝિશિયન, ફિઝિયોથેરાપી, સ્કિન જેવાં રોગનો મેગા મેડિકલ કેમ્પ..તથા બ્લડ ડોનેશન કેમ્પ
- બપોરે 12.00 કલાકે—અન્નકુટ મહાઆરતી
- બપોરે 01.00 કલાકે –ભોજન પ્રસાદ
- સવારે 09.00 થી 03.30—અખંડ ધુન
- બપોરે 04.00 થી 05.30— ધર્મસભા
- સાંજે 5.30 કલાકે —શ્રીફળ હોમવાનો સમય
- સાંજે 07.00 કલાકે – મા ઉમિયાની મહાઆરતી
- સાંજે 07.30 કલાકે – ભોજન પ્રસાદ