લોકસભા ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે ત્યારે ગુજરાતમાં ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈ ડ્રાફ્ટ મતદાર યાદીની જાહેરાત 27 ઓક્ટોબર 2023ના રોજ કરવામાં આવશે. આ અંગેનો નિર્ણય અમદાવાદમાં મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત 27 ઓક્ટોબરથી 9 ડિસેમ્બર 2023 સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલશે. આ કાર્યક્રમ દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારણા કે કમી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે, રાજ્ય સરકારે બૂથ સ્તરના અધિકારીઓને ચૂંટણી પંચના VoterHelplineApp અને VSP જેવા ઓનલાઈન પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા માટે લોકોને જાગૃત અને પ્રોત્સાહિત કરવા માટેનો નિર્દેશ આપ્યો છે.
આ બેઠકમાં પી.ભારતીએ ચૂંટણી તંત્ર સાથે સંકલન માટે બૂથ લેવલ એજન્ટની નિમણૂક કરવા રાજકીય પક્ષોને જણાવ્યું હતું. આ ઉપરાંત ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન તારીખ 4 થી 5 ઓક્ટોબર અને 2 થી 3 ડિસેમ્બર, 2023 એમ ચાર દિવસ ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નક્કી કરાયા છે. આ દિવસો દરમિયાન બૂથ લેવલ ઑફિસર્સ સવારે 10 વાગ્યાથી સાંજે 05 વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહીને આ તમામ કામગીરી હાથ ધરશે અને નાગરિકોને રુબરુ જોવા માટે મતદારયાદી ઉપલબ્ધ કરાવશે. સાથે જ મતદારયાદીમાં સુધારો-વધારો, નામ કમી કરવા માટેના ફોર્મ પણ બૂથ પર જ BLOને રૂબરૂ આપી શકાશે. આ તમામ કાર્યવાહી બાદ 26 ડિસેમ્બર, 2023 સુધીમાં આ અરજીઓના નિકાલ કરાશે. ત્યારબાદ 5 જાન્યુઆરી, 2024ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.
આ ઉપરાંત, રાજ્ય સરકારે મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ નાગરિકોને સહકારની અપીલ કરી છે. એટલું જ નહીં, કાર્યક્રમ દરમિયાન પારદર્શિતા જળવાય તે માટે કેટલાક પગલાં ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યા છે. જેમાં જિલ્લા સ્તરે પણ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા રાજકીય પક્ષો સાથે બેઠક યોજી આ કાર્યક્રમની જાણકારી અપાશે. મતદાર નોંધણી અધિકારી દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારવા અંગેની અરજીઓની યાદી પણ અઠવાડિક ધોરણે માન્ય રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવશે. આ સાથે જ ડ્રાફટ કરાયેલી મતદાર યાદી તથા આખરી મતદાર યાદીની એક સૉફ્ટ કૉપી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર મૂકવા ઉપરાંત રાજકીય પક્ષોને પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.