મહિલા ક્રિકેટરનો મૃતદેહ ગાઢ જંગલમાં ઝાડ પર લટકતો મળ્યો, 11 જાન્યુઆરીથી ગુમ હતો

ઓડિશાની મહિલા ક્રિકેટર રાજશ્રી સ્વૈની 11 જાન્યુઆરીથી ગુમ હતી અને તેનો મૃતદેહ શુક્રવાર, 13 જાન્યુઆરીએ કટક નજીકના ગાઢ જંગલમાંથી મળી આવ્યો હતો. પોલીસે આ અંગે માહિતી આપી હતી. કટકના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ પિનક મિશ્રાએ જણાવ્યું હતું કે અથાગઢ વિસ્તારના ગુરદિજાતિયા જંગલમાં એક ઝાડ પર તેની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. રાજશ્રીના કોચે ગુરુવારે કટકના મંગલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

તેમણે કહ્યું કે ગુરડીજાતિયા પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવશે. પોલીસ હજુ સુધી તેના મોતનું કારણ જાણી શકી નથી. જોકે તેના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તેની હત્યા કરવામાં આવી છે. તેના પરિવારનું કહેવું છે કે મહિલા ક્રિકેટરના શરીર પર ઈજાના નિશાન હતા અને તેની આંખોને પણ નુકસાન થયું હતું.

રાજશ્રીનું સ્કૂટર જંગલ નજીકથી મળી આવ્યું હતું અને તેનો મોબાઈલ ફોન પણ બંધ હતો. પોલીસે કહ્યું કે આ મામલાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવશે. તેના પરિવારના સભ્યોએ જણાવ્યું કે રાજશ્રી સહિત લગભગ 25 મહિલા ક્રિકેટરો પુડુચેરીમાં યોજાનારી આગામી રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે બજરકબાટી વિસ્તારમાં ઓડિશા ક્રિકેટ એસોસિએશન (ઓસીએ) દ્વારા આયોજિત તાલીમ શિબિરનો ભાગ હતી. બધા એક હોટલમાં રોકાયા હતા.

ઓડિશા રાજ્યની મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત 10 જાન્યુઆરીએ કરવામાં આવી હતી, પરંતુ રાજશ્રીને અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવી ન હતી. પોલીસે જણાવ્યું કે બીજા દિવસે ખેલાડીઓ પ્રેક્ટિસ માટે ટાંગી વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગયા હતા, પરંતુ રાજશ્રીએ તેના કોચને કહ્યું કે તે તેના પિતાને મળવા પુરી જઈ રહી છે.