ટીમ ઈન્ડિયા સિલેક્શન કમિટીઃ ચેતન શર્માને ફરી મળી ચેરમેનની ખુરશી

ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCCI) દ્વારા ઓલ ઈન્ડિયા સિનિયર મેન્સ સિલેક્શન કમિટી (ટીમ ઈન્ડિયા સિલેક્શન કમિટી)ની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ફરી એકવાર ચેતન શર્માને પસંદગી સમિતિના વડા બનાવવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા જ તેની આગેવાની હેઠળની પસંદગી સમિતિને બરખાસ્ત કરી દેવામાં આવી હતી. જો કે ફરી એકવાર તેમની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી છે.

બીસીસીઆઈને કુલ 600 અરજીઓ મળી હતી

સુલક્ષણા નાઈક, અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) એ અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિના સભ્યોની પસંદગી માટે વ્યાપક પ્રક્રિયા શરૂ કરી હતી. પસંદગી સમિતિમાં પાંચ પદો માટે BCCI દ્વારા કુલ 600 અરજીઓ મળી હતી. બોર્ડ દ્વારા 18 નવેમ્બર, 2022ના રોજ આ પદો માટેની જાહેરાત આપવામાં આવી હતી. યોગ્ય વિચાર-વિમર્શ અને કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી, CAC એ ઇન્ટરવ્યુ માટે 11 વ્યક્તિઓને શોર્ટલિસ્ટ કર્યા.

ઇન્ટરવ્યુના આધારે, ક્રિકેટ સલાહકાર સમિતિએ આ ઉમેદવારોની સિનિયર પુરુષોની રાષ્ટ્રીય પસંદગી સમિતિ માટે ભલામણ કરી હતી. જેમાં ચેતન શર્મા, શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલિલ અંકોલા અને શ્રીધરન સરતની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ચેતન શર્માને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ ચેતન શર્માને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા

2022માં T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિને હટાવી દેવામાં આવી હતી. તે સમયે ટીમના ખરાબ પ્રદર્શનને જોઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ફરી એકવાર ચેતન શર્માના નેતૃત્વમાં વરિષ્ઠ પસંદગી સમિતિની રચના કરવામાં આવી છે. ક્રિકેટ સલાહકાર સમિતિએ ઇન્ટરવ્યુ દ્વારા આ સમિતિની રચના કરી હતી. જેમાં કુલ 11 લોકોમાંથી પાંચ લોકોને આ જવાબદારી સોંપવામાં આવી છે.