Mumbai Marathon: એરિટ્રિયાના બેરહાન ટેસ્ફેએ મારી બાજી, ભારતીયોમાં અનિશ થાપા જીત્યા

મુંબઈ: ટાટા મુંબઈ મેરેથોન 2025 19 જાન્યુઆરીએ એટલે કે ગત રોજ સાઉથ મુંબઈમાં યોજાઈ હતી. ‘મુંબઈ મેરેથોન’ના 20મા વર્ષમાં વિશ્વભરના દોડવીરોએ ભાગ લીધો હતો. આ વર્ષે એરિટ્રિયાના બેરહાન ટેસ્ફેએ ટાટા મુંબઈ ફુલ મેરેથોન (International Elite Men winner)જીતી, જ્યારે ભારતીયોમાં અનિશ થાપા પ્રથમ સ્થાને રહ્યા છે. આ વખતે પણ નિર્માબેન ઠાકોર ભારતીય ચુનંદા મહિલા દોડ વિજેતા રહ્યાં.

આ વખતે મુંબઈ મેરેથોનમાં નાના આફ્રિકન દેશ એરિટ્રિયાનું વર્ચસ્વ રહ્યું. પુરુષ દોડવીરોમાં એરિટ્રિયાએ પ્રથમ બે સ્થાન હાંસિલ કર્યા. જોકે, ભારતીય પુરુષોમાં અનિશ થાપાએ મુંબઈ મેરેથોનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, ત્યારબાદ માન સિંહ અને ગોપી થોંકલ રહ્યાં. દોડવીર થાપાએ 2 કલાક 17 મિનિટ 23 સેકન્ડમાં પૂર્ણ મેરેથોન દોડ પૂર્ણ કરી. જ્યારે બીજા ક્રમે રહેલા માન સિંહે 2 કલાક 17 મિનિટ 37 સેકન્ડમાં દોડ પૂર્ણ કરી. જોકે, ભારતના અનિશ થાપા પુરુષોની શ્રેણીમાં ઘણા પાછળ રહી ગયા.

પુરુષોની શ્રેણીમાં એરિટ્રિયાના બેરહાન ટેસ્ફેએ ગોલ્ડ જીત્યો. તેણે આ દોડ 2 કલાક 11 મિનિટ 44 સેકન્ડમાં પૂર્ણ કરી. મુંબઈ મેરેથોનમાં આ તેમનો પહેલો વિજય છે. તો બીજા સ્થાને એરિટ્રિયાના મેરહાવી કેસેટ રહ્યા, જેમણે 2 કલાક 11 મિનિટ 50 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી. જ્યારે ઇથોપિયાના ટેસ્ફે ડેમેક 2 કલાક 11 મિનિટ 56 સેકન્ડમાં રેસ પૂર્ણ કરીને ત્રીજા સ્થાને રહ્યા. ગત વર્ષે મુંબઈ મેરેથોન 2024માં ઇથોપિયાની હેલ લેમીએ 2 કલાક 07 મિનિટ 50 સેકન્ડમાં દોડ પૂરી કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પ્રતિષ્ઠિત ટાટા મુંબઈ મેરેથોન 2025ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. 42.197 કિમીની સંપૂર્ણ મુંબઈ મેરેથોન આજે વહેલી શરૂ થઈ. આ વર્ષે ટાટા મુંબઈ મેરેથોન (TMM2025) માટે 50 હજારથી વધુ સહભાગીઓએ નોંધણી કરાવી હતી.

મુંબઈ મેરેથોનનું આયોજન ફુલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિમી દોડ, ડ્રીમ રન, સિનિયર સિટીઝન દોડ અને ચેમ્પિયન વિથ ડિસેબિલિટી દોડ જેવી શ્રેણીઓ હેઠળ કરવામાં આવ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) થી પૂર્ણ મેરેથોનને લીલી ઝંડી આપવામાં આવી હતી. મુંબઈ મેરેથોન માટે પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી.

(તમામ તસવીરો: દીપક ધૂરી)