ભાજપના મંત્રીની ટિપ્પણી બદલ SITની રચના

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહને કર્નલ સોફિયા કુરેશી પરની ટિપ્પણી બદલ ફટકાર લગાવતાં કહ્યું હતું કે તેમણે અભદ્ર ટિપ્પણી કરતાં પહેલા વિચાર કરવો જોઈએ. કોર્ટે કહ્યું હતું કે જે કહ્યું છે તેનું પરિણામ ભોગવવું પડશે. એ સાથે જ સર્વોચ્ચ કોર્ટ આ મામલાની તપાસ માટે SITની રચના કરવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે તમે એક જાહેર પદવી ધરાવતી વ્યક્તિ છો. તમે અનુભવી રાજકારણી છો. સમાજમાં તમારું વર્તન ઉદાહરણરૂપ હોવું જોઈએ. તમે વાત કરતાં પહેલાં તમારા શબ્દો અંગે તમારે વિચાર કરવો જોઈએ. આ સશસ્ત્ર દળો માટે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. આપણે ખૂબ જ જવાબદાર બનવાની જરૂર છે. એ સાથે જ કોર્ટે વિજય શાહની માફી નામંજૂર કરી હતી.

કોર્ટે વધુમાં કહ્યું હતું કે અમે ત્રણ IPS અધિકારીઓની SIT બનાવી રહ્યા છીએ અને તેમાંથી એક IG અથવા DGP રેન્કના હોવો જોઈએ. આ બધા રાજ્યની બહારના હોવા જોઈએ. આ એક લિટમસ ટેસ્ટ છે અને અમે ઇચ્છીએ છીએ કે રાજ્ય SIT રિપોર્ટ અમને સોંપે. અમે આના પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના DGPને મંગળવારે સવારે 10 વાગ્યા સુધીમાં IG રેન્કના અધિકારીના નેતૃત્વમાં SITની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો.

કોર્ટે વધુમાં કહ્યું હતું કે આ એક એવો દેશ છે જે કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે. ભલે તે નાનો હોય કે મોટો. ન્યાયાધીશો કોઈની સામે પૂર્વગ્રહ રાખતા નથી. આ કોર્ટના આદેશથી કોઈને નુકસાન થશે નહીં. આખો દેશ તમારાથી શરમ અનુભવે છે, તમારા ઉપર નિર્ભર છે કે તમે તમારી જાતને કેવી રીતે સુધારશો. અમે કોઈ સૂચના આપી નથી. એવું કહેવું યોગ્ય નથી કે હાઈકોર્ટે તમને દોષિત ઠેરવ્યા છે.