USમાં ચીનની કંપની ટિકટોક પર ‘સુપ્રીમ’ પ્રતિબંધ

નવી દિલ્હીઃ અમેરિકાની સુપ્રીમ કોર્ટે, TikTok પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે. ભારતની જેમ અમેરિકામાં પણ TikTok પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે સર્વસંમતિથી ટિકટોક પર પ્રતિબંધ લગાવનારા ફેડરલ કાયદાને યથાવત્ રાખ્યો છે.

રવિવારથી અમલમાં આવતા આ કાયદામં એકના ચીન સાથેના સંબંધોને પગલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકામાં ટિકટોકના આશરે 17 કરોડ યુઝર છે. સુપ્રીમ કોર્ટના ફરમાન બાદ હવે ફક્ત બે દિવસમાં ટિકટોક એપ બંધ થઈ શકે છે. જેને લીધે લાખો યુઝર્સ પર અસર થશે, જે મનોરંજન, ઈ-કોમર્સ અને જાહેરાત માટે આ પ્લેટફોર્મ પર આધાર રાખતા હતા.કોર્ટે ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સને આદેશ આપ્યો છે કે તે શોર્ટ વીડિયો એપ્લિકેશન કાં તો કોઈ ચીન બહારની વ્યક્તિને વેચી દે અથવા 19 જાન્યુઆરી સુધીમાં તેનું અમેરિકામાં સંચાલન બંધ કરી દે. શુક્રવારે નવ ન્યાયાધીશોના સર્વસંમતિથી આપેલા ચુકાદા પર અમેરિકન કોંગ્રેસ અને અમેરિકાના ન્યાય વિભાગના સભ્યોએ બહુમત સાથે સંમતિ દર્શાવી હતી જેમાં લોકપ્રિય સોશિયલ મિડિયા એપ્લિકેશનને “અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો” ગણાવવામાં આવી હતી.

અમેરિકામાં 19 જાન્યુઆરી બાદ હવે આ એપ ડાઉનલોડ માટે ઉપલબ્ધ નહીં હોય. જોકે હજુ સ્પષ્ટ નથી કે સંભવિત પ્રતિબંધ કેટલા સમય સુધી લાગુ રહેશે, કેમ કે નવા ચૂટાયેલા પ્રમુખ ટ્રમ્પ પદ સંભાળવાની તૈયારીમાં છે ત્યારે તેમણે થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે અમેરિકામાં ટિકટોક એપ ચાલુ રાખવા કોઈ રાજકીય સમાધાન શોધવાનો પ્રયાસ કરીશ.