પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને પગલે આજે રાજ્યવ્યાપી શોક

અમદાવાદમાં 12 જૂનના દિવસે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 250થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું. જોકે, હવે પૂર્વ મુખ્યમંત્રીના મૃત્યુને લઈને હવે રાજ્યસરકાર દ્વારા રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યવ્યાપી શોક

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું 12 જૂન, 2025 ના રોજ નિધન થયું હતું. તેમના અવસાનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025 (સોમવાર)ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.

અડધી કાઠીએ ફરકાવાશે ધ્વજ

શોકના આ દિવસ દરમિયાન, રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ સિવાય, શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. મળતી માહિતી મુજબ, 16 જૂન, 2025ના દિવસે રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ હવે તેમના અંતિમ દર્શન તથા અંતિમયાત્રાનું સંપૂર્ણ આયોજન રાજ્ય સરકારે અને પરિવારજનોએ સાથે મળીને જાહેર કર્યું છે. તેમણે પોતાના લાંબા રાજકીય કારકિર્દીમાં જે લોકપ્રિયતા મેળવી હતી, તેને ધ્યાનમાં રાખી તેમના અંતિમ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.