સિડની – અહીંના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચ વરસાદને કારણે પડતી મૂકી દેવામાં આવી છે. આજે પાંચમા અને આખરી દિવસે પણ વરસાદનું વિઘ્ન ચાલુ રહેતાં અમ્પાયરોએ મેચને ડ્રો તરીકે જાહેર કરી દીધી છે. આ સાથે ભારતે ચાર-મેચોની સીરિઝ 2-1થી જીતી લીધી છે.
ઓસ્ટ્રેલિયાને એની જ ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં પરાસ્ત કરનાર વિરાટ કોહલી પહેલો ભારતીય જ નહીં, પરંતુ પહેલો એશિયન કેપ્ટન બન્યો છે.
સિડની ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી અને 7 વિકેટે 622 રનના સ્કોર પર પોતાનો પહેલો દાવ ડિકલેર કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ ગઈ કાલે ચોથા દિવસે 300 રનમાં પૂરો થયો હતો. બીજા દાવમાં વિકેટ ગુમાવ્યા વગર 6 રન કર્યા હતા ત્યારે વરસાદ પડ્યો હતો અને ત્યારપછી મેચ આગળ રમી જ શકાઈ નહોતી.
શ્રેણીજીત હાંસલ કર્યા બાદ ભારતીય ખેલાડીઓએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આનંદમાં આવીને ચક્કર લગાવ્યો હતો અને દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું.
ચેતેશ્વર પૂજારાને ‘મેન ઓફ ધ મેચ’ અને ‘મેન ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે. પૂજારાએ સમગ્ર શ્રેણીમાં કુલ 521 રન કર્યા હતા અને 3 સેન્ચુરી પણ ફટકારી હતી.
બોલિંગ વિભાગમાં, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આ સીરિઝમાં સૌથી વધારે વિકેટ લીધી. એ 21 વિકેટ લઈને ટોપ બોલર બન્યો.