ઉત્તર પ્રદેશના કુશીનગરનાં બનવારી ટોલા ગામની બે બહેનો – જ્યોતિ અને નેહા એમનાં ‘અસામાન્ય’ વ્યવસાયને કારણે જાણીતી થઈ છે. આ બંને બહેનો વાળંદ પિતાની દીકરીઓ છે. દાઢી કરવાના વ્યવસાયમાં પુરુષોનું જ વર્ચસ્વ રહ્યું છે, પણ જ્યોતિ અને નેહાએ એમનાં પિતા ધ્રુવ નારાયણ બીમાર પડી ગયાં બાદ એમની જવાબદારી સંભાળી લીધી છે. યુવા વયની અને મહેનતુ એવી આ છોકરીઓ પુરુષોની દાઢી કરવાનું અને વાળ કાપવાનું કામ કરવાનું શીખી ગઈ છે. આ બહેનોની દુકાનમાં જઈને એમની પાસે અનેક જાણીતી હસ્તીઓએ દાઢી કરાવી છે, પણ માસ્ટર બ્લાસ્ટર, દંતકથાસમાન બેટ્સમેન સચીન તેંડુલકરે પણ દાઢી કરાવી એટલે મોટા સમાચાર થઈ ગયા છે.
આજીવિકાની સમસ્યાએ બહેનોને વાળંદ બનાવી
idiva.com ના અહેવાલ મુજબ, 2014માં બંને બહેનોનાં વાળંદ પિતાને લકવાનો હુમલો આવતાં એમનાં પરિવાર માટે આજીવિકાની સમસ્યા ઊભી થઈ હતી. એ વખતે જ્યોતિની ઉંમર 13 વર્ષ અને નેહાની ઉંમર 11 વર્ષ હતી. પિતા કોઈ પણ કામ કરવાને અસમર્થ બની ગયા હતા. પરિવારની આવકનું એકમાત્ર સાધન આ હજામતની દુકાન હતી. તેથી બંને બહેનોએ પરિવારનાં ભરણપોષણની જવાબદારી પોતાનાં શિરે લઈ લીધી હતી અને પિતાની વાળંદની દુકાન ફરી ખોલી હતી અને છોકરાઓની જેમ જ પુરુષોની દાઢી, હજામત કરવાનું શરૂ કરી દીધું હતું. લોકોને અજૂગતું ન લાગે એટલા માટે બંને બહેનો શરૂઆતમાં છોકરાઓ જેવા ડ્રેસ પહેરીને જ કામગીરી બજાવતી હતી.
જ્યોતિ અને નેહાએ પિતાના ઈલાજ અને પોતાનાં શિક્ષણનો ખર્ચ ઉપાડવા માટે તેમજ પરિવારનું ગુજરાન રહે એ માટે હજામતનો વ્યવસાય અપનાવ્યો છે. આ બંને બહેનો આજે પણ આ વ્યવસાય કરવાની સાથોસાથ એમનું શિક્ષણ પણ પૂરું કરી રહી છે.
નેહાએ કહ્યું કે, ‘2014માં જ્યારે અમે દાઢી કરવાનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે અમને ખૂબ જ તકલીફ પડી હતી. ખાસ કરીને ગામનાં ઘણાં લોકો અમારી મજાક ઉડાવતા હતા, પણ અમે એ બધાયની અવગણના કરી હતી અને માત્ર અમારા કામ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો.’ શરૂઆતમાં લોકો મહિલા હજામ પાસે દાઢી કરાવવા આવતા નહોતા, પણ ધીમે ધીમે સહુએ આ બહેનોનો વાળંદ તરીકે સ્વીકાર કર્યો હતો.
આ બંને બહેનો જિલેટની જાહેરખબરમાં પણ ચમકી છે. આ વિડિયોના દોઢ કરોડથી પણ વધારે વ્યૂઝ આવ્યા છે. શેવિંગ મટિરિયલની ઉત્પાદક કંપની જિલેટે આ વિડિયો જાહેરખબરમાં બંને બહેનોનાં જીવનની વાર્તા દર્શાવી છે. આ વિડિયોને કારણે જ તેંડુલકરને જાણકારી મળી હતી અને એમણે બંને બહેનો પાસે દાઢી કરાવવાનું નક્કી કર્યું હતું.
સચીને જ્યારે પહેલી જ વાર આ છોકરીઓ પાસે દાઢી કરાવી
સચીન તેંડુલકર જ્યારે ઉત્તર પ્રદેશની મુલાકાતે ગયા હતા ત્યારે આ બહેનોની વાત સાંભળવા મળી હતી અને એમની દુકાને જઈને દાઢી કરાવવાનું એ ટાળી શક્યા નહોતા.
તેંડુલકર જ્યોતિ અને નેહાની કામગીરીથી એટલા બધા પ્રભાવિત થયા કે એમણે બંને બહેનો સાથેની તસવીર પોતાના સોશિયલ મિડિયા પર શેર કરી છે.
દુનિયાભરમાં ક્રિકેટના મેદાનોમાં તો બેટિંગના અનેક રેકોર્ડ તોડનાર તેંડુલકરે એમના જીવનમાં પણ એક રેકોર્ડ કર્યો છે. એમણે આ પહેલી જ વાર મહિલા વાળંદ પાસે દાઢી કરાવી છે.
httpss://twitter.com/sachin_rt/status/1124325335430885376
httpss://twitter.com/AalimHakim/status/1124189820098621440
httpss://youtu.be/QCR24jyhfZk