પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારત પાસેથી વિઝા માટે માગે છે લેખિત ખાતરી

કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને કહ્યું છે કે, તે તેમને બીસીસીઆઈ પાસેથી લેખિતમાં ખાતરી મંગાવીને આપે કે 2021ની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ અને 2023ની 50-ઓવરોવાળી મેચોની વર્લ્ડ કપમાં રમવા માટે વિઝા મળવામાં કોઈ સમસ્યા નહીં આવે. પીસીબીના સીઈઓ વસીમ ખાને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અમે એ હકીકતનો અભ્યાસ કરી રહ્યા છીએ કે 2021 અને 2023માં ICC વર્લ્ડ કપનું આયોજન ભારત કરવાનું છે, તેથી અમે પહેલા પણ ICCને કહી ચૂક્યા છીએ કે, BCCI પાસેથી અમને લેખિતમાં ખાતરી અપાવો જેથી પાકિસ્તાની ક્રિકેટ ટીમને છેલ્લી ઘડીએ વિઝા મળવામાં કોઈ મુશ્કેલી ન આવે.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પીસીબીએ આઈસીસીને કહ્યું કે, તે બીસીસીઆઈને જણાવે કે આવનારા કેટલાક મહિનાઓમાં તે પોતાની સરકાર પાસેથી આ ખાતરી મેળવી લાવે. અધિકારીએ એ પણ પુષ્ટિ કરી કે આઈસીસી કાર્યકારી બોર્ડ પોતાની આગામી બેઠકમાં નક્કી કરશે કે, આગામી ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા ઓસ્ટ્રેલિયા અથવા ભારતમાં યોજવી કે નહી. વસીમ ખાને કહ્યું કે, ટી-20 વર્લ્ડ કપ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજવામાં આવે એ સંભવિત નથી. હવે મોટો પ્રશ્ન એ છે કે 2021માં વર્લ્ડ કપ યોજાશે કે નહીં? એનું આયોજન ઓસ્ટ્રેલિયા અથવા ભારત દ્વારા કરવામાં આવશે કારણ કે વિશ્વ ટી-20 વર્લ્ડ કપ યોજવાનો ભારતને પહેલેથી અધિકાર મળી ચૂક્યો છે.

ખાને કહ્યું કે, પાકિસ્તાનના ખેલાડીઓ અને અધિકારીઓને સુરક્ષા મામલે સંપૂર્ણ ખાતરી મળશે તે પછી જ અમારી ટીમ આઈસીસી સ્પર્ધા રમવા માટે ભારત જશે. તાજેતરના દિવસોમાં જ ભારતમાં રમવા માટે અમારી ટીમોને ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી એટલે જ અમે અગાઉથી જ લેખિત ખાતરી માગી છે.

પાકિસ્તાન અને ભારત વચ્ચે હાલ તણાવપૂર્ણ સંબંધો હોવાને કારણે દ્વિપક્ષીય ક્રિકેટ ફરીથી શરુ થવાની કોઈ શક્યતા નથી. બીસીસીઆઈ સાથે તો અમારે સારા સંંબંધો છે. પરંતુ અમે જાણીએ છીએ કે, ભવિષ્યમાં દ્વિપક્ષીય સિરીઝ શક્ય નથી, એમ વસીમ ખાને વધુમાં કહ્યું.