મેલબોર્ન – 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થનાર આઈસીસી ODI વર્લ્ડ કપ સ્પર્ધા માટે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન માર્ક વોએ ત્રણ ટોચના બેટ્સમેનોને પસંદ કર્યા છે જેઓ સ્પર્ધામાં જોરદાર દેખાવ કરશે એવું તે માને છે.
cricket.com.au. સાથેની વાતચીતમાં, વોએ પસંદ કરેલા ત્રણ બેટ્સમેનો છે – વિરાટ કોહલી, જોસ બટલર (ઈંગ્લેન્ડ) અને ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા).
વો કહે છે, એણે પસંદ કરેલા ટોપ-3 બેટ્સમેનોમાં વિરાટ કોહલી નંબર-1 છે.
કોહલીને ઘણા લોકો ODI ખેલાડીઓમાં સૌથી ધરખમ માને છે. તે એની જિંદગીની આ ત્રીજી વર્લ્ડ કપમાં રમવાનો છે. એ સ્પર્ધામાં સરસ દેખાવ કરવા અને ભારતને વર્લ્ડ કપ અપાવવા માટે ઉત્સૂક છે.
કોહલીએ આ વર્ષના આરંભમાં ત્રણેય મોટા આઈસીસી એવોર્ડ્સ જીત્યા હતા. એ વન-ડે ક્રિકેટમાં 41 સદી અને 59.57ની સરેરાશ સાથે 10,843 રન ફટકારી ચૂક્યો છે.
માર્ક વોએ ટોપ-3માં, બીજા નંબરના બેટ્સમેન તરીકે ઈંગ્લેન્ડના હાર્ડ-હિટીંગ બેટ્સમેન જોસ બટલરને પસંદ કર્યો છે.
બટલર છેલ્લા ચાર વર્ષથી જોરદાર ફોર્મમાં રમી રહ્યો છે. એ માત્ર વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જ નહીં, પણ ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં સરસ રમી રહ્યો છે. આ મહિનાના આરંભમાં જ એણે સાઉધમ્પ્ટન ખાતે પાકિસ્તાન સામેની મેચમાં 50 બોલમાં સદી ફટકારી હતી. એ પહેલાં, ફેબ્રુઆરીમાં એણે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 77 બોલમાં 150 રન ફટકાર્યા હતા.
વોની યાદીમાં ત્રીજા નંબરે ડેવિડ વોર્નર છે.
વોએ કહ્યું કે, આમ તો આરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયાની ટીમનો કેપ્ટન) પણ શ્રેષ્ઠ ફોર્મમાં રમે છે. પણ મારી પસંદગી ડેવિડ વોર્નર છે.
ઓપનર વોર્નરે સેન્ડપેપર કૌભાંડમાં સંડોવણીને કારણે એક વર્ષ સુધી પ્રતિબંધ ભોગવ્યા બાદ ક્રિકેટમાં કમબેક કર્યું છે અને તે જોરદાર ફોર્મમાં છે. આ જ વર્ષની આઈપીએલ સ્પર્ધામાં એણે સનરાઈઝર્સ હૈદરાબાદ વતી રમતાં 12 મેચમાં 692 રન કર્યા હતા.
વોર્નર ઓસ્ટ્રેલિયા માટે એની છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચ 18 મહિના પહેલાં રમ્યો હતો.
માર્ક વોને આશા છે કે વર્લ્ડ કપમાં વોર્નર ફટકાબાજી કરશે.
વર્લ્ડ કપ સ્પર્ધા 30 મેથી શરૂ થવાની છે. પહેલી મેચ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.