બોટાદમાં કલા મહાકુંભ 2024-25નું આયોજન

બોટાદ: ગુજરાત સરકારના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા બોટાદ જિલ્લા કચેરીના સક્રિય સહયોગથી વર્ષ 2024-25 દરમિયાન કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે કલા મહાકુંભ એ 37 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને 4 જુદા-જુદા વયજૂથોમાં (6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપર) સ્પર્ધાઓનું આયોજન કરી રહ્યો છે. રાજ્યના સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં પ્રતિભાશાળી કલાકારોને મંચ આપવા આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.

કલા મહાકુંભને લઈને ઝોન કક્ષાએ ઝોન કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે, જેથી કલાકારો પોતાના ફોર્મ સંબંધિત ઝોનના કન્વીનરોને પહોંચાડી શકશે. બોટાદ જિલ્લાના વિભિન્ન તાલુકાઓ માટે આયોજક સંસ્થાઓ પણ નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રજીસ્ટ્રેશન માટે ઓફ લાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર 2024 છે. ઇચ્છુક કલાકારોએ પોતાના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બોટાદ ખાતે રૂબરૂ કે પોસ્ટ દ્વારા મોકલી આપવાના રહેશે. બોટાદ તાલુકા માટે આદર્શ વિદ્યાલય, ગઢડા તાલુકા માટે ઉગામેડીની સરદાર પટેલ વિદ્યાલય, બરવાળા તાલુકા માટે સંસ્કાર ભારતી વિદ્યાલય અને રાણપુર તાલુકા માટે કે.ડી. પરમાર વિદ્યાલય ખાતે યોજાશે. વધુ વિગતો જાણવા માટે કલાકારો/સંસ્થાઓ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન, A/S-13, ખસ રોડ, બોટાદ ખાતેથી સંપર્ક કરવાની સુવિધા પણ ગોઠવવામાં આવી છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી દિનેશ.બી.દિહોરા આ બાબતે વધુ માર્ગદર્શન આપશે.