હાંગ્ઝો (ચીન): અહીં રમાતી 19મી એશિયન ગેમ્સમાં આજે પહેલા જ ભારતે બે મેડલ જીત્યા છે. દેશની મહિલાઓએ 10 મીટર એર રાઈફલ ટીમ હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો છે તો પુરુષોની રોઈંગ રમતમાં પણ ભારતને ટીમ હરીફાઈમાં એક રજત ચંદ્રક મળ્યો છે.
મહિલાઓની શૂટિંગ હરીફાઈમાં, રમિતા જિંદલ, મેહુલી ઘોષ અને આશી ચોક્સીએ 1,886ના સ્કોર સાથે બીજું સ્થાન પ્રાપ્ત કરીને રજત ચંદ્રક જીત્યો છે. આમ, મહિલા શૂટરોએ વર્તમાન એશિયાડમાં ભારતનું ખાતું ખોલાવ્યું છે. આ હરીફાઈનો સુવર્ણ ચંદ્રક યજમાન ચીને જીત્યો છે. તેની શૂટરોએ 1,896.6 સ્કોર સાથે નવો એશિયન રેકોર્ડ બનાવ્યો છે. કાંસ્ય ચંદ્રક દક્ષિણ કોરિયાની શૂટરોએ જીત્યો છે.
મેહુલી અને રમિતા મહિલાઓની 10 મીટરની એર રાઈફલ વ્યક્તિગત હરીફાઈમાં પણ ભાગ લઈ રહી છે. રમિલા માત્ર 19 વર્ષની છે.
પુરુષોની રોઈંગમાં રજત કાંસ્ય
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે પુરુષોની રોઈંગ રમતમાં લાઈટવેઈટ ડબલ સ્કલ્સ હરીફાઈમાં બીજું સ્થાન પ્રાપ્ત કરીને રજત ચંદ્રક જીત્યો છે. ભારતીય એથ્લીટ્સ 6:28.18 સેકન્ડના સમય સાથે બીજા ક્રમે રહ્યા હતા. પહેલા ક્રમે ચીનના પુરુષો આવ્યા હતા, જેમણે 6:23.16 સેકન્ડનો સમય નોંધાવ્યો હતો. ઉઝબેકિસ્તાનની જોડીએ 6:33.42 સેકન્ડના સમય સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
આ જ રમતની પેર રોઈંગ હરીફાઈમાં યાદવ બાબુ લાલ અને રામ લેખીની જોડી ત્રીજા ક્રમે આવી હતી અને કાંસ્ય ચંદ્રક જીત્યો છે.