આઈસીસી વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં 16 જૂનના રવિવારે માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ બે કટ્ટર હરીફ ટીમ વચ્ચેની તે મેચની ટિકિટો ક્યારની વેચાઈ ગઈ છે અને હવે ઊંચા ભાવે રી-સોલ્ડ થઈ રહી છે.
આ મેચ જોવા માટે બંને દેશના ક્રિકેટચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.
ભારત અને પાકિસ્તાન રાજકીય અણબનાવને કારણે દ્વિપક્ષી ક્રિકેટ મેચો રમતા નથી. તેથી કોઈ બહુ-રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જ્યારે પણ ટકરાય છે ત્યારે ક્રિકેટપ્રેમીઓ તે મુકાબલો જોવાની તક ચૂકતા નથી.
હવે એવી તક એમને ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ-2019માં મળી છે.
16 જૂનની તે મેચ વર્તમાન સ્પર્ધાની 22મી મેચ હશે અને એને ‘મધર ઓફ ઓલ મેચીસ’ તરીકે ઓળખવામાં આવી રહી છે.
આ મેચ માટેનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે અને ચાહકો તે મેચ એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફ્ફર્ડ સ્ટેડિયમમાં જઈને જોવા માટે ટિકિટની ગમે તેટલી ઊંચી રકમ ચૂકવવા તૈયાર છે.
ઓલ્ડ ટ્રેફ્ફર્ડ સ્ટેડિયમમાં દર્શકોને સમાવવાની ક્ષમતા 20 હજારની છે અને તેની ટિકિટો વેચાણ પર મૂકાઈ એના અમુક કલાકોમાં જ વેચાઈ ગઈ હતી.
ચાહકો પાસેથી હવે ટિકિટો ખરીદીને તે રીસેલ કરી રહી છે Viagogo નામની એક વેબસાઈટ. આ ટિકિટો ભારતીય ચલણ મુજબ રૂ. 20 હજારથી લઈને રૂ. 60 હજારના ભાવે વેચાઈ રહી છે.
વેબસાઈટના જણાવ્યા મુજબ, 480 જેટલા લોકોએ એમની ટિકિટો એમને રીસેલ કરવા કહ્યું છે. જે લોકોએ ટિકિટો ખરીદી છે તેઓ એને રીસેલ કરીને ઊંચી કમાણી કરી રહ્યાં છે.
વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 6 મેચ રમાઈ ચૂકી છે અને એ તમામમાં ભારત જીત્યું છે.