ફેક સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે WFIના સસ્પેન્ડેડ સંજય સિંહઃ સાક્ષી મલિક

નવી દિલ્હીઃ રેસલર સાક્ષી મલિકે સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા ભારતીય કુશ્તી સંઘ (WFI)ના નવા ચૂંટયેલા પ્રમુખ સંજય સિંહ પર બહુ ગંભીર આરોપ લગાવ્યા છે. ઓલિમ્પિકમાં ભારતને ખ્યાતિ અપાવી ચૂકેલી પહેલવાન સાક્ષી મલિકે કહ્યું હતું કે સસ્પેન્ડ કરવામાં આવેલા પ્રમુખ સંજય સિંહ ફેક ચેમ્પિયનશિપનું આયોજન કરાવે છે અને એના સર્ટિફિકેટ પણ વહેંચે છે.

સ્પોર્ટ્સ મંત્રાલયને અરજ કરતાં સાક્ષી મલિકે સવાલ ઉઠાવ્યો હતો કે ફેડરેશનનો એક સસ્પેન્ડેડ સભ્ય WFIના ફંડનો દુરુપયોગ કરાવી રહ્યો છે. એ સાથે તેણે એ પણ કહ્યું હતું કે ફેક ચેમ્પિયનશિપમાં વહેંચાતા સર્ટિફિકેટથી ખેલાડીઓના ભવિષ્ય પર ખોટી છાપ પડશે.  તેણે દાવો કર્યો હતો કે સંજય સિંહ પ્રભુત્વ કાયમ રાખવા માટે એક ફેક ચેમ્પિયનશિપનં આયોજન કરી રહ્યા છે.

તેણે આગળ કહ્યું હતું કે રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત રેસલિંગ નેશનલ ચેમ્પિયનશિપ જયપુરમાં આયોજિત કરવાની છે. એ પહેલાં જ કુશ્તી પર પોતાનો દબદબો સાબિત કરવા માટે સંજય સિંહ ગેરકાયદે રીતે અલગ નેશનલ ચેમ્પિયનશિપનાં સર્ટિફિકેટ હસ્તાક્ષર કરીને વહેંચી રહ્યા છે. સંસ્થાની સસ્પેન્ડેડ વ્યક્તિ કેવી રીતે સંસ્થાના રૂપિયાનો દુરુપયોગ કરી શકે છે.

ભવિષ્યમાં જ્યારે ખેલાડી આ સર્ટિફિકેટને લઈને નોકરી માગવા જશે તો કાર્યવાહી ગરીબ ખેલાડીઓ પર થશે, જ્યારે ખેલાડીઓની કોઈ ભૂલ નથી. કાર્યવાહી તો આવા છેતરપિંડી કરનારા સંજય સિંહ પર અત્યારથી થવી જોઈએ. જેની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવા છતાં આ બધી છેતરપિંડી કરી રહ્યા છે. હું રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરજીને અપીલ કરું છું કે તમે આ મુદ્દાને જુઓ અને ખેલાડીઓનું ભવિષ્ય ખરાબ હોવાથી બચાવો.