મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સિનિયર પુરુષ પસંદગીકારોની નવી સમિતિની રચના કરવાનું નક્કી કર્યું છે. આ માટે તેણે અરજીઓ મગાવી હતી. અરજીઓ મોકલવા માટે ગઈ કાલનો દિવસ આખરી હતો. એવું જાણવા મળ્યું છે કે અરજી કરનારાઓમાં નયન મોંગિયા, મનિન્દર સિંહ, શિવ સુંદર દાસ, અજય રત્રાનો સમાવેશ થાય છે. ક્રિકેટ બોર્ડ હવે આ વિશે કોઈ નિર્ણય લેતા પહેલાં અરજદારોના ઈન્ટરવ્યૂ લેવા માટે ક્રિકેટ સલાહકાર સમિતિની રચના કરે એવી ધારણા છે. વડોદરાનિવાસી મોંગિયા વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમ્યા હતા. એ 44 ટેસ્ટ અને 140 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યા હતા. જેમાં કુલ 2,714 રન કર્યા હતા અને સ્ટમ્પ્સ પાછળ કુલ 261 શિકાર ઝડપ્યા હતા.
નવી પસંદગી સમિતિનું પહેલું કાર્ય 2023માં ઘરઆંગણે શ્રીલંકા સામે રમાનાર મર્યાદિત ઓવરોવાળી શ્રેણીઓ માટેની ભારતીય ટીમની પસંદગી કરવાનું રહેશે. ત્યાં સુધી ચેતન શર્માની આગેવાની હેઠળની હાલની પસંદગી સમિતિ કાર્ય કરવાનું ચાલુ રાખશે. અજીત આગરકર, દીપ દાસગુપ્તા, લક્ષ્મી રતન શુક્લા જેવા ભૂતપૂર્વ ક્રિકેટરોએ અરજી નોંધાવી નથી.