કોલંબોઃ કોરોના વાઈરસ રોગચાળાને કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે જેને અનિર્ણિત સમય સુધી મુલતવી રાખી દીધી છે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની 13મી આવૃત્તિનું આયોજન કરવાની શ્રીલંકાએ ઓફર કરી છે.
2020ની આઈપીએલ મોસમ 29 માર્ચથી શરૂ થવાની હતી, પણ કોરોના વાઈરસ મહાબીમારી ફેલાતા એને પહેલાં 15 એપ્રિલ સુધી મુલતવી રાખી દેવામાં આવી હતી અને હવે જ્યારે કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉનને 3 મે સુધી લંબાવી દીધું છે ત્યારે બીસીસીઆઈએ આઈપીએલ-2020ને અચોક્કસ મુદત સુધી મોકૂફ રાખી દીધી છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને પત્ર લખીને આઈપીએલ સ્પર્ધાને કોલંબોમાં યોજવાની ઓફર કરી છે.
ઈએસપીએન ક્રિકઈન્ફોએ શ્રીલંકા બોર્ડના પ્રમુખ શમ્મી સિલ્વાને સિંહાલી ભાષી દૈનિક ‘લંકાદીપ’ને એવું કહેતા ટાંક્યા છે કે, દેખીતી રીતે જ, જો આઈપીએલ-13 રદ થાય તો બીસીસીઆઈ અને ફ્રેન્ચાઈઝીઓને 50 કરોડ ડોલરથી પણ વધુની ખોટ જાય. તેથી તેઓ કોઈ અન્ય દેશમાં આ સ્પર્ધા યોજીને એમની ખોટને ઘટાડી શકે છે.
સિલ્વાએ કહ્યું કે, જો તેઓ આ સ્પર્ધાને શ્રીલંકામાં રમાડે તો ભારતીય દર્શકોને ટીવી પર આ મેચો જોવામાં આસાની રહેશે. ભૂતકાળમાં તેઓ આઈપીએલને સાઉથ આફ્રિકામાં યોજી ચૂક્યા છે. અમારા પ્રસ્તાવના ભારતીય બોર્ડના જવાબની અમે રાહ જોઈ રહ્યા છીએ.
ભૂતકાળમાં, બે વખત આઈપીએલ સ્પર્ધાને ભારતની બહાર લઈ જવી પડી હતી. 2009માં લોકસભા ચૂંટણીને કારણે આ સ્પર્ધાને સાઉથ આફ્રિકામાં લઈ જવી પડી હતી. એવી જ રીતે, 2014માં, સ્પર્ધાના પહેલા બે અઠવાડિયાની મેચો યૂએઈમાં યોજવી પડી હતી. એ વર્ષે પણ ભારતમાં લોકસભા તથા અમુક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવી હતી, પરિણામે સુરક્ષા વ્યવસ્થાને કારણે સ્પર્ધાને ભારતમાં ન યોજવાની સરકારે બીસીસીઆઈને સૂચના આપી હતી.
બીસીસીઆઈના અધિકારીનો રદિયો
દરમિયાન, બીસીસીઆઈને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડ તરફથી આઈપીએલ-13ના આયોજન વિશે કોઈ ઓફર કરવામાં આવી હોવાના અહેવાલોને બીસીસીઆઈના એક અધિકારીએ આજે રદિયો આપ્યો છે.
પીટીઆઈ સમાચાર સંસ્થાએ કહ્યું કે બીસીસીઆઈના અધિકારીએ કહ્યું છે કે આ વિષય અંગે આવી કોઈ શક્યતા અંગે અમે ચર્ચા પણ કરતા નથી. આખી દુનિયા જ્યારે બંધ છે ત્યારે બીસીસીઆઈ આ વિશે કંઈ જ નહીં કહે.