નવી દિલ્હી – અહીંના ફિરોઝ શાહ કોટલા મેદાન ખાતે આજે પાંચમી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 35-રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ પાંચ-મેચોની સીરિઝ 3-2થી જીતી લીધી છે.
આરોન ફિન્ચે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ તેના હિસ્સાની 50 ઓવરોમાં 9 વિકેટે 272 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 237 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આવતા મે-જુલાઈમાં ઈંગ્લેન્ડ-વેલ્સમાં રમાનાર વર્લ્ડ કપ સ્પર્ધા પૂર્વે ભારતની આ આખરી આંતરરાષ્ટ્રીય વન-ડે શ્રેણી હતી.
ઓસ્ટ્રેલિયાનો આજનો વિજય એના ઓપનિંગ બેટ્સમે ઉસ્માન ખ્વાજાની સદી (100 રન) અને લેગસ્પિનર એડમ ઝમ્પાની 3 વિકેટ (46 રનમાં)ને આભારી રહ્યો. ઓસ્ટ્રેલિયાના દાવમાં પીટર હેન્ડ્સકોમ્બે 52 રન કરીને ખ્વાજાને સાથ આપ્યો હતો.
106 બોલમાં 10 ચોગ્ગા અને બે છગ્ગા ફટકારનાર ખ્વાજાને ‘મેન ઓફ ધ મેચ’ અને ‘મેન ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે.
ભારતના દાવમાં, રોહિત શર્માએ સૌથી વધુ, 56 રન કર્યા હતા. શિખર ધવન 12, કેપ્ટન વિરાટ કોહલી 20, વિકેટકીપર રિષભ પંત 16, વિજય શંકર 16, કેદાર જાધવ 44, રવિન્દ્ર જાડેજા 0, ભૂવનેશ્વર કુમાર 46, મોહમ્મદ શમી 3, કુલદીપ યાદવ 8 રન કરીને આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયાનો લેગસ્પિનર એડમ ઝમ્પા 46 રનમાં 3 વિકેટ લઈને એની ટીમનો બેસ્ટ બોલર રહ્યો હતો. ફાસ્ટ બોલરો – પેટ કમિન્સ, જે રિચર્ડસન અને માર્કસ સ્ટોઈનીસે 2-2 વિકેટ લીધી હતી. ડાબોડી સ્પિનર નેથન લિયોને પંતને આઉટ કર્યો હતો.