સિડની – અહીં રમાતી ચોથી અને સીરિઝની આખરી ટેસ્ટ મેચમાં આજે વરસાદ અને ભારતનું પ્રભુત્વ રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 300 રનમાં પૂરો કરાવી, 322 રનની લીડ મેળવીને ભારતે એને ફોલોઓન કરવા કહ્યું હતું.
પરંતુ, વરસાદ અને ઝાંખા પ્રકાશને કારણે અમ્પાયરોએ આજની રમત વહેલી બંધ કરાવી દીધી હતી.
બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ વિકેટ ગુમાવ્યા વગર 6 રન કર્યા હતા.
ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ફોલોઓન થવું પડ્યું હોય એવો 2005ની સાલ બાદ આ પહેલો જ પ્રસંગ છે. ભારતના આજના સુપર-દેખાવનો શ્રેય જાય છે ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને, જેણે પાંચ વિકેટ ઝડપી હતી.
આજે ચોથા દિવસે માત્ર 25.3 ઓવર જ ફેંકી શકાઈ હતી અને એમાં ભારતે ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ સમાપ્ત કરાવી દીધો હતો. પૂંછડિયાઓ – મિચેલ સ્ટાર્ક (29), જોઝ હેઝલવુડ (21) અને પેટ કમિન્સ (25) તરફથી સારો એવો પ્રતિકાર કરવામાં આવ્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં કુલદીપે આ બીજી વાર દાવમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.
ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 236 રનના તેના શનિવારના દાવને આજે આગળ વધાર્યો હતો, પરંતુ એની રમત બીજા સત્રમાં જ શરૂ થઈ શકી હતી. બે કલાકનું પહેલું સત્ર વરસાદને કારણે ધોવાઈ ગયું હતું.
કુલદીપ યાદવે 31.5 ઓવરમાં 99 રનના ખર્ચે પાંચ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.જસપ્રિત બુમરાહે પીટર હેન્ડ્સ્કોમ્બની વિકેટ લીધી હતી.
ચાર મેચોની સીરિઝમાં ભારત 2-1થી આગળ છે. સીરિઝ જીતવાની ભારતને ઉમદા તક છે. જો ભારત સીરિઝ જીતશે તો ઓસ્ટ્રેલિયાને એની જ ધરતી પર ટેસ્ટ સીરિઝમાં હરાવનાર એશિયાની પહેલી ટીમ બનશે.