આ ફિલ્મનું સુપ્રિમ કોર્ટમાં થશે સ્ક્રીનિંગ

મુંબઈ: કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને લોકોમાં છવાઈ ગઈ. દર્શકોએ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી અને વખાણી પણ.ફિલ્મે તેના બજેટ કરતાં ઘણી વધુ કમાણી કરી હતી. સામાજિક સંદેશ આપતી આ ફિલ્મને દર્શકોનો પ્રેમ તો મળ્યો જ પરંતુ વિવેચકોએ પણ આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી. જ્યારે આ ફિલ્મ OTT પર રીલિઝ થઈ, ત્યારે તે ત્યાં ઘણા અઠવાડિયા સુધી સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ફિલ્મ બની. કોઈપણ મેગા સ્ટાર વિના પણ આ ફિલ્મ લોકોનું મનોરંજન કરવામાં સફળ રહી હતી. કિરણ રાવ 13 વર્ષ પછી આ ફિલ્મ સાથે દિગ્દર્શનના ક્ષેત્રમાં પરત ફર્યા હતા અને તેમનું પુનરાગમન ખૂબ જ જોરદાર હતું અને તેના પડઘા દૂર દૂર સુધી સંભળાયા હતા. હવે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થવાનું છે, તે પણ સુપ્રીમ કોર્ટના જજો માટે.

ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ થશે

હકીકતમાં, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો માટે આવતીકાલે કોર્ટ પરિસરમાં ફિલ્મ ‘લાપતા લેડીઝ’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ થશે. આ માટે સુપ્રીમ કોર્ટના જજોની સાથે તેમની પત્નીઓ અને રજિસ્ટ્રી અધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા આમિર ખાન અને ફિલ્મ નિર્દેશક કિરણ રાવ પણ હાજર રહેશે. આ સ્ક્રીનિંગ સુપ્રીમ કોર્ટ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગ કોમ્પ્લેક્સના ઓડિટોરિયમમાં થશે. આવી સ્થિતિમાં હવે આ ફિલ્મ જજોનું મનોરંજન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

ફિલ્મ કાસ્ટ

Jio સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત,’લાપતા લેડીઝ’ કિરણ રાવ દ્વારા નિર્દેશિત અને આમિર ખાન અને જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ આમિર ખાન પ્રોડક્શન્સ અને કિન્ડલિંગ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવી હતી, જેની સ્ક્રિપ્ટ બિપ્લબ ગોસ્વામીની એવોર્ડ વિજેતા વાર્તા પર આધારિત છે. આ ફિલ્મ 1 માર્ચ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં થયું હતું. આ એ જ જિલ્લો છે જ્યાં ‘પંચાયત’નું પણ શૂટિંગ થયું છે. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો રવિ કિશન પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે. જ્યારે પ્રતિભા રાંતા અને નિતાંશી ગોયલ દુલ્હનના રોલમાં હતા. સસ્પર્શ શ્રીવાસ્તવ લીડ એક્ટર દીપકના રોલમાં જોવા મળ્યો હતો.