શિવભક્તો માટે સોનુ નિગમનું નવું ગીત, ‘આદિનાથ શંભો’ ગીત લોન્ચ

મુંબઈ: સોનુ નિગમ પોતાના ચાહકો અને શિવભક્તો માટે એક આધ્યાત્મિક ભેટ લઈને આવ્યા છે. જે શિવભક્તો અને તેમના ચાહકોને સ્તબ્ધ કરી દે છે. મહાકુંભ અને મહા શિવરાત્રી પછી શિવભક્તોને ભગવાન શિવના દિવ્ય ખેલનો આનંદ માણવાની એક અદ્ભુત તક મળી છે અને તે છે “આદિનાથ શંભો” ગીત દ્વારા. સોનુ નિગમ, મીનલ નિગમ, આગમ નિગમ, શાન અને કૈલાશ ખેર દ્વારા ગવાયેલા આ ગીતને એક કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું. જ્યાં સંગીત ક્ષેત્રની ઘણી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

એક કાર્યક્રમનું આયોજન કરી આ ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોનુ નિગમના પિતા અગમ નિગમ, મીનલ નિગમ, અનુપ જલોટા, સંજય ટંડન અને શ્રદ્ધા પંડિત, ડૉ. અનુષા શ્રીનિવાસન ઐયર, આધ્યાત્મિક ગુરુ નિત્ય ગોપાલ દાસ, મહંત કમલ નયન દાસ, બીએમસી કમિશનર વિશ્વાસ મોટે જેવી હસ્તીઓ હાજર રહી હતી. જ્યાં લોકોના આધ્યાત્મિક હૃદય શિવ શંભુના દિવ્ય સૂરોથી ગુંજી ઉઠ્યા હતાં. યોગિની મીનલ નિગમ દ્વારા ક્યુરેટ કરાયેલા દિવ્ય અનુભવમાં ભક્તિ, સંગીત અને ધ્યાનનો સમન્વય જોવા મળ્યો હતો. અનુપ જલોટાએ પણ ખાસ હાજરી આપી હતી.

ભગવાન શિવનો અભિષેક દિવ્ય ધ્યાન, શક્તિશાળી મંત્રો અને મધુર આહ્વાન દ્વારા કરવામાં આવ્યો હતો, જેણે શ્રોતાઓને એક કલાક સુધી તીવ્ર આધ્યાત્મિક ઉર્જામાં ડૂબાડી દીધા હતા. મીનલ નિગમે તેમની મૂળ રચના “આદિનાથ શંભુ” રજૂ કરી, જે ભગવાન શિવને સમર્પિત એક સંગીતમય પ્રદર્શન હતું.

સ્ટેજ પર પદ્મશ્રી સોનુ નિગમે તેમના આધ્યાત્મિક ઉત્થાનકારી પ્રદર્શનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. આ ઉપરાંત, ભક્તિ સંગીતના દિગ્ગજ પદ્મશ્રી અનુપ જલોટાએ અગમ કુમાર નિગમ, સંજય ટંડન અને શ્રદ્ધા પંડિત સાથે મળીને કીર્તન અને ભજનો રજૂ કર્યા હતાં. જ્યાં વાતાવરણ “ઓમ નમઃ શિવાય” ના મંત્રોથી ગુંજી ઉઠ્યું હતું.