ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપસ્ટાર કહેવાતા મલ્હાર ઠાકરની સઘળી ફેન ફોલોઈંગ છે. લાખો લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે અને પ્રેમ પણ કરે છે. ઈન્ડસ્ટ્રીના એક એવા અભિનેતા છે જેમને ચાહકો તરફથી ખૂબ જ પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. પરંતુ ચાહકો ક્યાંક થોડા અંશે તેમનાથી નારાજ થયા હોય એવું લાગે છે.
થોડા દિવસો પહેલા અભિનેતા મલ્હાર ઠાકર અને તેમની અભિનેત્રી વાઈફ પૂજા જોશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. એ પોસ્ટ પરથી એવો સંકેત જઈ રહ્યો હતો કે પૂજા જોષી પ્રેગ્નેન્ટ છે અને તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. આ સાથે જ લોકોએ અટકળો લગાવવાનું શરૂ કરી દીધું હતું કે મલ્હારના ઘરમાં કિલકારી ગૂંજવાની છે. જોકે, પોસ્ટમાં તેમણે કોઈ ચોખવટ નહોતી કરી, પણ સીધો સંકેત પ્રેગ્નેન્સી તરફ જ જઈ રહ્યો હોય એમ બધા તેમને શુભકામનાઓ પાઠવવા લાગ્યા હતા. પણ પછી ખબર પડે છે કે એ પોસ્ટ પોતાના કૉફી કેફેના પ્રમોશન માટે એક પબ્લિસિટી સ્ટન્ટ હતો. આ જાણી ઘણા ચાહકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી તો ઘણા ચાહકો મલ્હાર ઠાકરથી નારાજ જોવા મળ્યા.
View this post on Instagram
પૂજા જોષીએ જે પોસ્ટ શેર કરી હતી એના કેપ્શનમાં લખ્યું હતું કે,આપણું નાનું વિશ્વ વિસ્તરી રહ્યું છે! મારું હૃદય એકદમ ભરાઈ ગયું છે.મલ્હાર અને હું ખરેખર કંઈક રોમાંચિત બનાવી રહ્યા છીએ, અને અમને આ જાહેરાત કરતાં ખૂશી થાય છે કે અમારી નાની દુનિયા હવે બેમાંથી ત્રણની થઈ રહી છે. અમે હવે ત્રણ થવા જઈ રહ્યાં છે. અમે ઘણા સમયથી આ સપનું જોઈ રહ્યા છીએ અને બહુ જલ્દી, અમારો આગલો તબક્કો શરૂ થશે.ખૂશી અને સ્લીપલેસ નાઈટ માટે તૈયાર થઈ જાઓ! ખૂબ પ્રેમ.
આ પોસ્ટના થોડા સમય બાદ મલ્હાર અને પૂજાએ વધુ એક પોસ્ટ દ્વારા સ્પષ્ટતા આપી કે ખરેખર એમના જીવનમાં નવો તબક્કો શું આવવાનો છે. એમનું નાનકડું વિશ્વ કેવી રીતે વિસ્તરવાનું છે. અભિનેતાએ પોસ્ટ દ્વારા જાહેરાત કરી કે તેઓ માતા-પિતા નથી બનવાના પણ એક કેફેના માલિક બનવાના છે. તેમણે અમદાવાદમાં એક કેફેની શરૂઆત કરી છે. જાહેરાત પ્રમાણે સ્ટાર કપલે અમદાવાદમાં 28 જૂને કેફેનું ઉદ્ઘાટન કર્યુ.
View this post on Instagram
કેફેની જાહેરાત અને પ્રમોશન માટે અભિનેતાની આ રીત કેટલાક ચાહકોને પસંદ ન આવી હોય એવું લાગી રહ્યું છે. એક યુઝરે લખ્યું કે, ‘થર્ડ ક્લાસ પ્લાનિંગ, બીજાની લાગણીઓ સાથે રમવાનું બંધ કરો. આઈ એમ યોર ફેન. આઈ વોઝ હેપ્પી ફોર યુ પણ હવે હું નથી, તમે શા માટે અમારી લાગણીઓ સાથે રમ્યા.’ આ સિવાય અન્ય એક યુઝરે કહ્યું કે ‘પોતાના કેફેને પ્રમોટ કરવાની ખૂબ જ ખરાબ રીત.’ એક યુઝરે કહ્યું કે આવું કેમ કર્યુ? તો અન્ય એક મહિલા ચાહકે કહ્યું કે ‘આ ખૂબ જ મૂર્ખતાભર્યુ.’
