નવી દિલ્હીઃ ભારતના અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4 મિશનના અન્ય ત્રણ અંતરિક્ષ યાત્રીઓ સાથે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર 18 દિવસના નિવાસ પછી ધરતી તરફ પરત ફરી આવ્યા છે. સ્પેસએક્સનું ડ્રેગન યાન કેલિફોર્નિયાના દરિયાઈ વિસ્તારમાં ઊતર્યું છે. રાકેશ શર્મા (1984) બાદ અંતરિક્ષની સફર કરનાર શુભાંશુ શુક્લા બીજા ભારતીય બની ગયા છે.
એક્સિઓમ-4 મિશન હેઠળ શુક્લા અને ત્રણ અન્ય યાત્રીઓ સવાર હતા તે ડ્રેગન યાને સોમવારના રોજ સવારે લગભગ 7:05 વાગે EDT (ભારતીય સમય પ્રમાણે સાંજે 4:35 વાગ્યે) ISSના હાર્મોની મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ થવાનું (અનડોકિંગ) કર્યું હતું.
તેમની ધરતી પર પરત ફરવાની પ્રક્રિયા મંગળવારે સવારે 5:30 વાગ્યે EDT (ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે) અમેરિકાના કેલિફોર્નિયાના કિનારેથી નજીકના દરિયામાં “સ્પ્લેશડાઉન” (પાણીમાં અવતરવું) સાથે પૂર્ણ થવાની અપેક્ષા હતી.
શુભાંશુ શુક્લાનાં માતા-પિતા ભાવુક થયા
અંતરિક્ષથી શુભાંશુ શુક્લાની સુરક્ષિત વાપસીના સમાચાર સાંભળતાં જ તેમનાં માતા-પિતા ભાવુક થયાં હતાં. શુક્લા અને એક્સિઓમ-4ના સહયાત્રી હવે સલામત રીતે ધરતી પર પાછા આવી ગયા છે.
