રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલો જંગ હવે વધુ ભયાનક અને હિંસક વળાંક લઈ ચૂક્યો છે. રશિયા દ્વારા યુક્રેનના શહેરો પર સતત કરવામાં આવી રહેલા હવાઈ હુમલાના જવાબમાં, ગુરુવારે (16 જૂન 2026) યુક્રેનની સેના અને સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રશિયાના દિલ ગણાતી રાજધાની મોસ્કો પર એક મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલાનો સૌથી ઘાતક અને વિનાશક નજારો મોસ્કો સ્થિત એક મોટી ઓઇલ રિફાઇનરી પર જોવા મળ્યો હતો, જ્યાં યુક્રેની આત્મઘાતી ડ્રોન અથડાતા જ શ્રેણીબદ્ધ પ્રચંડ વિસ્ફોટો થયા હતા અને સમગ્ર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
Last night, our long-range sanctions once again reached the Moscow region – for the second time this week, the Moscow oil refinery was hit. Targets were also struck in the Rostov region and in temporarily occupied territories of Ukraine. This is a fully justified response to… pic.twitter.com/NhFl4FlT9L
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 18, 2026
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ પોતે આ હુમલાનો શાનદાર વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે, જે હાલમાં વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોના પ્રથમ ભાગમાં જોઈ શકાય છે કે એક ચાલતી ગાડીમાંથી દૂર આકાશમાં ઉઠી રહેલા કાળા ધુમાડાના વિશાળ ગુબારને કેમેરામાં કેપ્ચર કરાયો છે.
ત્યારબાદ ડ્રોન દ્વારા ઊંચાઈ પરથી રેકોર્ડ કરાયેલા ફૂટેજમાં એક હૃદયધ્રુજાવનારો નજારો જોવા મળે છે. રિફાઇનરીના હાઇ-સિક્યોરિટી ઝોનમાં આવેલા એક વિશાળ ઓઇલ સ્ટોરેજ ટેન્ક પર ડ્રોન પડતાની સાથે જ એટલો તીવ્ર બ્લાસ્ટ થાય છે કે ટાંકીનું વજનદાર ઉપલું ઢાંકણું ફટાકડાની જેમ હવામાં સેંકડો ફૂટ ઊંચે ઉડી જાય છે. વિસ્ફોટ બાદ ધુમાડો, સળગતું ઇંધણ અને લોખંડનો કાટમાળ ચારેય તરફ ઝડપથી ફેલાઈ જાય છે અને સમગ્ર રિફાઇનરી ફેસિલીટી પર કાળા ધુમાડાની જાડી ચાદર પથરાઈ જાય છે. આ અઠવાડિયાની શરૂઆતમાં મોસ્કોના અન્ય એક ફ્યુઅલ પ્લાન્ટને પણ આ જ રીતે નિશાન બનાવવામાં આવ્યો હતો.
BREAKING:
Huge explosions at the Moscow Oil Refinery after it’s struck by several Ukrainian long-range drones.
Looks like Moscow has a day or two of “black rain” ahead of it. pic.twitter.com/1dJGDO9lYI
— Visegrád 24 (@visegrad24) June 18, 2026
રશિયાના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર નવેદનમાં સ્વીકાર્યું છે કે રાતોરાત સમગ્ર રશિયન ક્ષેત્રમાં 500 થી વધુ યુક્રેની ડ્રોનને અટકાવવામાં આવ્યા અથવા તોડી પાડવામાં આવ્યા છે. આમાંથી આશરે 200 જેટલા ડ્રોન સીધા મોસ્કો શહેરની દિશામાં આગળ વધી રહ્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું કે રશિયાના એર ડિફેન્સ સિસ્ટમે મોટી સંખ્યામાં ડ્રોન તોડી પાડ્યા હોવા છતાં, કેટલાક ડ્રોન સુરક્ષા કવચને ભેદીને તેલ રિફાઇનરી સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. આ હુમલાના કાટમાળના કારણે મોસ્કોની કેટલીક રહેણાંક (Residential) અને વ્યાપારી (Commercial) ઇમારતોને પણ આર્થિક નુકસાન પહોંચ્યું છે. સુરક્ષાની તકેદારીના ભાગરૂપે મોસ્કોના એરપોર્ટ પર ફ્લાઇટ્સની અવરજવર પણ થોડા સમય માટે સંપૂર્ણપણે સ્થગિત કરી દેવાઈ હતી.
આ તો માત્ર શરૂઆત છે, રશિયા હવે વાતચીત કરે: ઝેલેન્સ્કી
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ સફળ ઓપરેશન બદલ યુક્રેનની સુરક્ષા અને સંરક્ષણ એજન્સીઓની પીઠ થાબડી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ હુમલો યુક્રેનના નિર્દોષ નાગરિકો અને શહેરો પર રશિયા દ્વારા કરવામાં આવતા દૈનિક હવાઈ હુમલાઓનો સીધો અને સચોટ જવાબ છે. રશિયાની યુદ્ધ કરવાની આર્થિક અને લશ્કરી ક્ષમતાને મજબૂત કરતા ઈંધણ મથકો અને રિફાઇનરીઓ જેવા વ્યૂહાત્મક સ્થળોને નષ્ટ કરવા ખૂબ જ જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે મોસ્કો ઉપરાંત રશિયાના રોસ્તોવ (Rostov) ક્ષેત્ર અને યુક્રેનના રશિયા હસ્તકના વિસ્તારોમાં પણ સમાંતર હુમલા કરાયા છે. યુક્રેનની મિડ-રેન્જ અને લોન્ગ-રેન્જ મિસાઇલો તથા ડ્રોનની વધેલી ચોકસાઈને પશ્ચિમી સહયોગી દેશોએ પણ નોંધમાં લીધી છે. ઝેલેન્સ્કીએ ચેતવણીના સૂરમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે પુતિન હઠ છોડીને યુદ્ધ ખતમ કરે અને શાંતિપૂર્ણ વાર્તાલાપના રસ્તે આગળ વધે. ઉલ્લેખનીય છે કે આ હુમલા દરમિયાન જ રશિયાએ પણ યુક્રેનની રાજધાની કીવ (Kyiv) સહિતના વિસ્તારોમાં રાતોરાત મિસાઈલ વર્ષા ચાલુ રાખી હતી, જેના કારણે ત્યાં એર રેડ એલર્ટ આપવું પડ્યું હતું.



