સેન્સેક્સ 1049 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના 12 લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં નબળા સંકેતોને લીધે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ડિસેમ્બર ત્રિમાસિક પરિણામોને લઈને અનિશ્ચિતતા, ક્રૂડ ત્રણ મહિનાની ઊંચી સપાટીને કારણે અને ડોલર સામે રૂપિયો તૂટયો હતો. જેથી રોકાણકારોના રૂ. 12 લાખ કરોડ સ્વાહા થયા હતા.

આ સાથે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ ડિસેમ્બરમાં 16,982 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. જે બાદ 10 જાન્યુઆરી સુધીમાં 21,350 કરોડ રૂપિયાથી વધુ ઇક્વિટીનું વેચાણ કર્યુ છે. ગત વર્ષના ઓક્ટોબર મહિનાથી વેચવાલી મોડમાં છે. ઓક્ટોબરમાં 1,14,445 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા અને નવેમ્બરમાં 45,974 કરોડ રૂપિયા શેરબજારમાંથી ઉપાડી લીધા હતા.

આ ઉપરાંત અમેરિકન બોન્ડ યીલ્ડ અને અમેરિકાન ડોલરમાં વધારો, આ વર્ષે અમેરિન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાની નહીંવત આશા, નિરાશાજનક ત્રિમાસિક પરિણામો વચ્ચે ભારતીય ઈક્વિટીમાંથી વિદેશી રોકાણકારો ઝડપથી વેચવાલી કરી રહ્યા છે જેથી સેન્સેક્સ 1049 પોઇન્ટ તૂટીને 76,330ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 345.55 પોઇન્ટ તૂટીને 23,085.95એ બંધ થયો હતો.

આ સાથે રોકાણકારોની નજર કેન્દ્રીય બજેટ 2025 છે. બજાર નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો બજેટ ગત બજેટની જેવું જ રહેશે તો બજારમાં નિરાશા વ્યાપી શકે છે અને મોટો ઘટાડો થઈ શકે છે. તેથી રોકાણકારો સતર્કતાના ભાગરૂપે વેચવાલી કરી રહ્યા છે.

આ સાથે 2025માં અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો નહીં કરવામાં આવે તેવી આશંકા છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ પદભાર ગ્રહણ કરશે. તેઓ ભારત સહિત અન્ય દેશો પર ઊંચો ટેરિફ લાદી શકે છે. ટ્રમ્પ પ્રશાસન વેપાર નીતિઓ અને સંરક્ષણવાદ દ્વારા એશિયાના ઇકોનોમિક આઉટલુકને બદલી નાખશે, તેવો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.

BSE એક્સચેન્જ પર કુલ 4226 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 527 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 3571 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 128 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 117 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 495 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.