સાઉદી અરેબિયાએ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 14 દેશોના નાગરિકોને વિઝા આપવા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. આનાથી ઉમરાહ, બિઝનેસ અને ફેમિલી વિઝિટ વિઝાની મંજૂરી પર અસર પડશે, જે જૂનના મધ્ય સુધી ચાલુ રહેશે. એવું માનવામાં આવે છે કે સાઉદી અરેબિયા સરકારે હજ યાત્રાને કારણે ભીડને નિયંત્રિત કરવા માટે આ પ્રતિબંધ લાદ્યો છે કારણ કે તેનો સમય પણ આ જ સમય સાથે મેળ ખાય છે. આ પ્રતિબંધ જૂનના મધ્ય સુધી લાદવામાં આવ્યો છે. એટલે કે હજ યાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ અમલમાં રહેશે.
આ પ્રતિબંધ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, નાઇજીરીયા, જોર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા, યમન અને મોરોક્કો સહિત 14 દેશો પર લાદવામાં આવ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે સાઉદી અરેબિયાની સરકાર દ્વારા યોગ્ય નોંધણી વગર હજ યાત્રા કરવાનો પ્રયાસ કરતા વ્યક્તિઓને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ગયા વર્ષની હજ દુર્ઘટનાનું પુનરાવર્તન અટકાવવાનો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ભારે ગરમી અને મોટી સંખ્યામાં બિનનોંધાયેલ યાત્રાળુઓની હાજરીને કારણે ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા ૧,૨૦૦ યાત્રાળુઓ માર્યા ગયા હતા.
વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આ વર્ષે વિઝા નિયમો કડક બનાવવાના નિર્દેશ આપ્યા બાદ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે, ઉમરાહ વિઝા ધરાવતા લોકો હજુ પણ 13 એપ્રિલ સુધી સાઉદી અરેબિયામાં પ્રવેશી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ જરૂરી હતો કારણ કે ઘણા વિદેશી નાગરિકો ઉમરાહ અથવા વિઝિટ વિઝા પર સાઉદી અરેબિયા આવે છે અને લાંબા સમય સુધી દેશમાં રહે છે. આ જ લોકો પછી ગેરકાયદેસર રીતે મક્કામાં હજમાં ભાગ લે છે, જ્યાં ભીડ ઉમટી પડે છે અને અંધાધૂંધી સર્જાય છે.
