‘રાજાધિરાજ: પ્રેમ…જીવન…લીલા.’ મેગા-મ્યુઝિકલ શૉ કે જેમાં શ્રી કૃષ્ણની યુગો જૂની લીલાઓને સુંદર રીતે જીવંત કરવામાં આવી છે, તે હવે વિશ્વભરના તમામ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. દીર્ઘદૃષ્ટા ધનરાજ નથવાણીની વિષય પ્રસ્તુતિ ધરાવતા આ અદભુત મ્યુઝિકલનો સાઉન્ડટ્રેક પ્રખ્યાત સંગીતકાર બેલડી સચિન-જીગરે કમ્પોઝ કર્યો છે, અને તેના ગીતોને જાણીતા ગીતકાર તેમજ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રસૂન જોશીએ લખ્યા છે.
રોમેરોમને કૃષ્ણમય બનાવી દેવાની સાથે તેની રચનાને તાદૃશ કરી દઈને સભાગૃહમાં જીવંત વાતાવરણની રચના કરી દેતા 20 ઓરિજીનલ સુમધુર ગીતો હવે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આનાથી દર્શકોને માતા અને પુત્ર વચ્ચેના બિનશરતી પ્રેમ, રાધા અને કૃષ્ણની અવિસ્મરણીય પ્રેમકહાણી, અને બાલગોપાલના તોફાનોની એવી તે સુંદર અને મનમોહક પ્રસ્તુતિ કરાઈ છે કે જેનાથી દર્શકોમાં અનન્ય ભક્તિભાવની લાગણીઓ પ્રજ્જવલિત થશે.
આ ગીતોને રિલિઝ કરાવા અંગે પોતાના વિચારો પ્રગટ કરતા ધનરાજ નથવાણીએ કહ્યું હતું કે, “સંગીત એ કોઈ પણ વ્યક્તિની સંવેદનાઓના તાર ઝણઝણાવી તેને ઉન્નત કરી જાય છે. રાજાધિરાજના ગીતો પણ દરેક પેઢીના શ્રોતાઓ સાથે એક ખાસ બંધન બનાવ્યું છે- અને સંગીત થકી જ શ્રી કૃષ્ણની લીલાઓ તેમના સુધી પહોંચી છે. દિલ્હી અને મુંબઈમાં અમે દર્શકોમાં વ્યાપેલા ઉત્સાહના સાક્ષી રહ્યા છીએ જેણે અમને આ ગીતોને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ કરવા તરફ પ્રેરિત કર્યા છે. આ મ્યુઝિકલના 20 ટ્રેક છે જેમાંથી અત્યારે અમે 11ને રિલીઝ કરી રહ્યા છીએ. અમને આશા છે કે આ ગીતોનું સર્જન કરવામાં અમને જેટલો આનંદ આવ્યો તેટલો જ આનંદ દરેકજણ તેને સાંભળતી વેળાએ અનુભવાશે.”
આ સંગીત રચનામાં બુડાપેસ્ટના પાશ્ચાત્ય સિમ્ફનિક તત્ત્વો અને ભારતીય શાસ્ત્રીય સંગીતનું અનોખું મિશ્રણ છે, જેમાં હવેલી સંગીત, રાજસ્થાની અને ગુજરાતી લોકસંગીત, છપાકરા, રાસગરબા અને હિન્દુસ્તાની અર્ધ-શાસ્ત્રીય સંગીત જેવી અનેકવિધ શૈલીઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતના વિવિધ પ્રદેશોની સોડમને સાથે લઈ આવવા માટે આ સંગીતકાર બેલડીએ તબલા, ઢોલક, શરણાઈ સહિત બીજા લોકવાદ્યોનો પણ ઉપયોગ કર્યો છે. શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ, કૈલાશ ખેર, સચિન સંઘવી, પાર્થિવ ગોહિલ, કીર્તિ સાગઠિયા અને જોનીતા ગાંધી જેવા પ્રખ્યાત ગાયકોએ આ ગીતોમાં પોતાનો મધુર કંઠ આપ્યો છે.
આ જીવંત ગીતોની રચના પાછળના મૂળ વિચારની પ્રસ્તુતિ કરતા સંગીતકાર સચિન-જીગરે કહ્યું હતું કે, “આ પ્રોજેક્ટ અમારા માટે ખૂબ જ રસપ્રદ તેમજ અત્યંત પડકારજનક પણ રહ્યો હતો. અમે નાનપણથી જ અમારા દાદા-દાદી પાસેથી શ્રી કૃષ્ણના ગીતો અને તેમની કથાઓને સાંભળીને જ મોટા થયા છીએ. આ સંગીતનાટકે આપણે જે કૃષ્ણને જાણીએ છીએ તેમને દર્શકગણ સુધી પ્રસ્તુત કરવાની તક પૂરી પાડી છે. અમે પાશ્ચાત્ય અને ભારતીય શાસ્ત્રીય સંગીતનું મિશ્રણ રજૂ કરવાની સાથે અલગ-અલગ લોકવાદ્યોનો ઉપયોગ કરીને તદ્દન અનોખી અને વૈવિધ્યપૂર્ણ મધુર રચનાઓ બનાવી છે. દરેક ગીત અલગ છે, અને દરેક ગીત અમારા હૃદયની અત્યંત નજીક છે.”
મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે અદભૂત પ્રદર્શન બાદ શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વનો સૌપ્રથમ મેગા મ્યુઝિકલ ‘રાજાધિરાજઃ પ્રેમ…જીવન… લીલા…’નો શો નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં દિલ્હીના જવાહરલાલ નેહરુ ઇન્ડોર ઓડિટોરિયમમાં આયોજિત કરાયો હતો. 2025માં આ શોનું દુબઈમાં પણ પ્રિમિયર યોજવામાં આવશે.
