ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન IPL 2027 પહેલાં જ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સના ખેમામાંથી એક અત્યંત સન્સસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી પોતાના ઇતિહાસના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને ફરી એકવાર ટીમનું નેતૃત્વ સોંપવા પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માએ પોતાની શાનદાર આગેવાની હેઠળ મુંબઈ ઇન્ડિયન્સને 5 ઐતિહાસિક આઈપીએલ ટ્રોફી અપાવી હતી. જો કે, 2024 ની સીઝન પહેલાં ગુજ૨ાત ટાઇટન્સમાંથી હાર્દિક પંડ્યાને ટ્રેડ કરીને અચાનક ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

હાર્દિકના નેતૃત્વમાં ઉતાર-ચડાવ અને મેનેજમેન્ટનો મોટો નિર્ણય
હાર્દિક પંડ્યાએ 2024 થી લઈને 2026 સુધી સતત ત્રણ સીઝન માટે મુંબઈ ઇન્ડિયન્સની કમાન સંભાળી હતી. પરંતુ આ તબક્કો મુંબઈ ઇન્ડિયન્સ માટે મેદાનની અંદર અને બહાર બંને જગ્યાએ ખૂબ જ વિવાદસ્પદ અને ઉથલપાથલથી ભરેલો રહ્યો હતો. સ્ટેડિયમમાં ફેન્સ દ્વારા થયેલો ભારે વિરોધ, ટ્રોલિંગ અને ડ્રેસિંગ રૂમમાં કથિત તણાવના અહેવાલો બાદ હવે ટીમ મેનેજમેન્ટ નેતૃત્વમાં મોટો બદલાવ કરવાના મોડમાં છે. રિપોર્ટ્સ મુજબ, એમઆઈ (MI) મેનેજમેન્ટ ફરી એકવાર રોહિત શર્માના અનુભવ પર સંપૂર્ણ ભરોસો મૂકીને તેમને કેપ્ટન બનાવી શકે છે. ટીમમાં કપ્તાનીના અન્ય વિકલ્પો તરીકે ભારતના ટી20 કપ્તાન સૂર્યકુમાર યાદવ અને યુવા બેટ્સમેન તિલક વર્માના નામો પણ ચર્ચામાં હતા. પરંતુ, ફ્રેન્ચાઇઝીના હાઇકમાન્ડનું માનવું છે કે ટીમની વર્તમાન પરિસ્થિતિને જોતાં રોહિત શર્મા જ કપ્તાની માટે સૌથી યોગ્ય અને હકદાર દાવેદાર છે.

હાર્દિક પંડ્યાના ભવિષ્ય પર સસ્પેન્સ
કપ્તાની બદલવાની ચર્ચાઓ વચ્ચે હાર્દિક પંડ્યાના ટીમમાં ભવિષ્યને લઈને પણ સસ્પેન્સ ઘેરાયું છે. સ્પોર્ટ્સ વર્તુળોમાં વહેતી થયેલી વિગતો અનુસાર, IPL 2026 પૂરી થયા બાદ હાર્દિક પંડ્યાએ સ્વયં ફ્રેન્ચાઇઝી છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના પછી મુંબઈ ઇન્ડિયન્સે તેમને ટ્રેડ કરવા માટે અન્ય ટીમો સાથે સંપર્ક પણ કર્યો હતો. ક્રિકેટ ગલિયારામાં રોહિત શર્માના કેપ્ટન તરીકે પુનરાગમનની ચર્ચાઓ ખૂબ જ તેજ થઈ ગઈ છે. જો કે, આ અંગે મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી કે રોહિત શર્મા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે ઘોષણા કરવામાં આવી નથી.

