રિલાયન્સની જિયોસ્ટાર 1100 કર્મચારીઓની છટણી કરશે

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની જિયોસ્ટાર આશરે 1100 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે. કંપનીએ આ નિર્ણય વાયાકોમ18 અને વોલ્ટ ડિઝનીના નવેમ્બર, 2024માં થયેલા મર્જર પછી લઈ રહી છે. આ છટણીની પ્રક્રિયા એક મહિના પહેલાં શરૂ થઈ ચૂકી છે અને જૂન, 2025 સુધી જારી રહેવાની સંભાવના છે.

નવેમ્બર 2024માં તેની પેરન્ટ કંપની વાયાકોમ18નું વોલ્ટ ડિઝની સાથે વિલીનીકરણ થયું હતું. આના કારણે કેટલાક વિભાગોમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો છે. જોકે જેમને કાઢી મૂકવામાં આવશે તેમને છ મહિનાથી એક વર્ષ સુધીનો પગાર આપવામાં આવશે, એમ અહેવાલ કહે છે.

આ મર્જર પછી પુનર્ગઠનના ભાગરૂપે કંપનીમાં છટણી ફેબ્રુઆરીમાં શરૂ થઈ હતી અને જૂન સુધી ચાલુ રહેશે. કંપની વિતરણ, નાણાં, કોમર્શિયલ અને કાનૂની વિભાગોમાંથી બિનજરૂરી લોકોને દૂર કરશે. જો કોઈ કર્મચારી એક વર્ષ પહેલાં કંપનીમાં જોડાયો હોય તો તેને એક મહિનાનો સંપૂર્ણ પગાર મળશે. બાકીના કર્મચારીઓને પણ તે મુજબ મળશે. એકથી ત્રણ મહિનાની નોટિસ આપવામાં આવશે.

આ મર્જર પછી Jio દેશનું સૌથી મોટું મનોરંજન નેટવર્ક બની ગયું છે. આ કરાર 70,352 કરોડ રૂપિયામાં થયો હતો. ડિઝની-રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના દર્શકો હવે 750 મિલિયન છે. રિલાયન્સે આ સંયુક્ત સાહસ માટે 11,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જ્યારે બે મોટી કંપનીઓનું મર્જર થાય છે ત્યારે પદોનું ડુપ્લિકેશન ઘટાડવા માટે છટણી અનિવાર્ય બની જાય છે, આ રિસ્કંસ્ટ્રક્ટિંગ સોર્સિસને વધુ સારી રીતે ઉપયોગ કરવા અને કંપનીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે.