દિગ્દર્શક નિતીશ તિવારીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને કરોડો દર્શકોની આતુરતાનો વિષય બનેલી ફિલ્મ ‘રામાયણ’ (Ramayana) ની રિલીઝને હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે મેકર્સે વૈશ્વિક સ્તરે ફિલ્મના પ્રચાર-પ્રસાર માટે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રમોશન શરૂ કરી દીધું છે. ગત 15 ઓક્ટોબરથી સોની પિક્ચર્સ દ્વારા શરૂ કરાયેલા ઇન્ટરનેશનલ કેમ્પેઈન અંતર્ગત ફિલ્મનો એક નવો અને અત્યંત પ્રભાવશાળી ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યો છે, જે અગાઉના તમામ પ્રમોશનલ એસેટ્સ કરતા પણ વધુ દમદાર દેખાઈ રહ્યો છે.
સ્ટારકાસ્ટ અને ભવ્ય વીઝ્યુઅલ્સ
ફિલ્મમાં પ્રભુ શ્રી રામના દિવ્ય પાત્રમાં રાણબીર કપૂર, લંકાપતિ રાવણના રોલમાં સુપરસ્ટાર યશ અને માતા સીતાના રોલમાં સાઈ પલ્લવીનો અભિનય સ્ક્રીન પર આગ લગાવી રહ્યો છે. ડિરેક્ટર નિતીશ તિવારીનું વિઝન, ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન અને હોલીવુડના દિગ્ગજ મ્યુઝિક કંપોઝર હંસ ઝિમરનું સંગીત તથા નિર્માતા નમિત મલ્હોત્રાની કંપની DNEG ના અત્યાધુનિક વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) એ આ ફિલ્મને એક વૈશ્વિક સ્તરનું માસ્ટરપીસ બનાવી દીધું છે.

વિદેશી દર્શકોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું ટ્રેલર
મેકર્સે આ વર્ષે 30 જુલાઈએ ‘રામાયણ’ નો પહેલો ટ્રેલર રિલીઝ કર્યો હતો જેને ભારે પ્રશંસા મળી હતી, પરંતુ આ નવો ટ્રેલર ખાસ કરીને વિદેશી દર્શકો અને ગ્લોબલ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. આ ભવ્ય ટ્રેલરને જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડીને મોટો ઇતિહાસ રચશે.

