જમ્મુમાં વરસાદે 52 વર્ષનો રેકોર્ડ તોડ્યોઃ 3500થી વધુ લોકોનું રેસ્ક્યુ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કટરામાં અર્ધકુંવારી પાસે માતા વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભારે વરસાદ વચ્ચે થયેલા ભયંકર ભૂસ્ખલનમાં અત્યાર સુધી 34 લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. કાટમાળમાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યુ ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તેવામાં ઝેલમ નદી ખતરના નિશાનથી ઉપર વહી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે, જેને કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનની પરિસ્થિતિ ઊભી થઈ છે. જમ્મુમાં મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું, પૂલ તૂટી ગયા અને વીજળીની લાઇન તથા મોબાઇલ ટાવર ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયા છે. સતત વરસાદને કારણે આખા જિલ્લામાં અચાનક પૂર અને જળભરાવ પછી અત્યાર સુધીમાં 3500થી વધુ રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.જમ્મુમાં છેલ્લા 24 કલાકમાં 296.0 મિમી વરસાદ નોંધાયો, જેનાથી નવ ઓગસ્ટ 1973નો 272.6 મિમીનો રેકોર્ડ તૂટી ગયો. ઉધમપુરમાં આ જ સમયગાળામાં 629.4 મિમી વરસાદ પડ્યો હતો, જે 31 જુલાઈ 2019એ 24 કલાકમાં નોંધાયેલા અગાઉના રેકોર્ડ 342.0 મિમીથી લગભગ બમણો છે.

રાજ્યના મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાએ વડા પ્રધાનનરેન્દ્ર મોદીને જમ્મુ વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી. એ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ મદદના આશ્વાસન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

જમ્મુના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ અબદુલ્લાએ X પર જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાનને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિથી અવગત કરાવ્યા. તેમણે તવી નદીના કિનારે જમ્મુના કેટલાક વિસ્તારોની મુલાકાત કરી હતી, જ્યાં ગઈ કાલે ભારે નુકસાન થયું હતું.