‘લંડનમાં ભારતની લોકશાહી પર સવાલો ઉઠાવવામાં આવ્યા’ : PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કર્ણાટકના હુબલી-ધારવાડમાં ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પછી તેમણે જનસભાને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક લોકો સતત ભારતના લોકતંત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું, “ભારત માત્ર સૌથી મોટી લોકશાહી નથી, પણ લોકશાહીની માતા પણ છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે લંડનમાં ભારતની લોકશાહી પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. કેટલાક લોકો સતત ભારતની લોકશાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત માત્ર સૌથી મોટી લોકશાહી નથી પરંતુ લોકશાહીની માતા પણ છે. આ મારું સદ્ભાગ્ય હતું કે થોડાં વર્ષો પહેલાં મને લંડનમાં ભગવાન બસવેશ્વરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવાનો મોકો મળ્યો, પરંતુ કમનસીબી એ છે કે લંડનમાં જ ભારતની લોકશાહી પર સવાલ ઉઠાવવાનું કામ થયું.

‘પૃથ્વી પરની કોઈ શક્તિ નુકસાન પહોંચાડી શકે નહીં’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતની લોકશાહીના મૂળ આપણા સદીઓ જૂના ઈતિહાસથી સિંચાયેલા છે. વિશ્વની કોઈ પણ શક્તિ ભારતની લોકશાહી પરંપરાઓને નુકસાન પહોંચાડી શકે નહીં. તેમણે કહ્યું કે ભાજપની ડબલ એન્જિન સરકાર કર્ણાટકના દરેક જિલ્લા, દરેક ગામ અને દરેક નગરના સંપૂર્ણ વિકાસ માટે નિષ્ઠાવાન પ્રયાસો કરી રહી છે. આજે, ધારવાડની આ ધરતી પર વિકાસનો નવો પ્રવાહ આવી રહ્યો છે, જે હુબલી-ધારવાડની સાથે સમગ્ર કર્ણાટકના ભવિષ્યને સિંચવાનું કામ કરશે.

કર્ણાટકમાં ભાજપ સરકારના વખાણ

સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા તેમણે કહ્યું કે 2014 સુધી ઘણા લોકો પાસે પાકું મકાન નહોતું. શૌચાલય અને હોસ્પિટલોની અછત હતી અને સારવાર મોંઘી હતી. અમે દરેક સમસ્યા પર કામ કર્યું, લોકોનું જીવન આરામદાયક બનાવ્યું. તેમણે કહ્યું કે અમે AIIMSની સંખ્યા ત્રણ ગણી વધારી છે. સાત દાયકામાં દેશમાં માત્ર 380 મેડિકલ કોલેજ હતી, જ્યારે છેલ્લા 9 વર્ષમાં 250 નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કર્ણાટક આજે કનેક્ટિવિટીના મામલામાં વધુ એક સીમાચિહ્નને સ્પર્શ્યું છે. હવે સિદ્ધરુધા સ્વામીજી સ્ટેશન પાસે વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. આ વિચારનું વિસ્તરણ છે જેમાં આપણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપીએ છીએ.