પતિ નિક સાથે ફિલ્મમાં જોવા મળશે પ્રિયંકા, ફિલ્મનું શૂટિંગ શરૂ

પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ અને તેના ભાઈઓ જો અને કેવિન સાથે આગામી હૉલિડે ફિલ્મ માટે જોડાઈ છે. પ્રિયંકાએ આ માટે તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મ ડિઝની પ્લસ પર પ્રીમિયર થવાની અપેક્ષા છે. જોનાસ પરિવાર 2025 માં એક યાદગાર વેકેશન દ્વારા એકસાથે આવ્યો હતો. પ્રિયંકા ચોપરાએ પણ તેના પતિ નિક જોનાસ અને તેના ભાઈઓ સાથે નવા વર્ષની રજાઓનો આનંદ માણ્યો. પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પણ શેર કરી છે. આ ફિલ્મનું શૂટિંગ 13 જાન્યુઆરીથી ટોરોન્ટોમાં શરૂ થઈ ગયું છે, જોકે, તેનું નામ હજી નક્કી થયું નથી.

અમેરિકન મનોરંજન ન્યૂઝ સાઇટ ઇ ન્યૂઝ અનુસાર,’પ્રિયંકા તેના પતિ નિક અને જોનાસ બ્રધર્સ સાથે સેટ પર જોવા મળી હતી. પ્રિયંકા બ્લેક રંગની હૂડી અને ભૂરા તથા સફેદ પટ્ટાવાળો લાંબો બ્લેક કોટ પહેરેલી જોવા મળી હતી જ્યારે નિકે પણ બરફથી બચવા માટે જેકેટ પહેર્યું હતું.

આ ફિલ્મમાં નિક જોનાસના બંને ભાઈઓ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ અંગે વધુ વિગતો પણ ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે. નિક જોનાસે અગાઉ સ્ક્રીમ ક્વીન્સ, કિંગડમ અને જુમાનજી: વેલકમ ટુ ધ જંગલમાં અભિનય કર્યો છે.

હવે નિક જોનાસ તેની પત્ની પ્રિયંકા સાથે સ્ક્રીન શેર કરવા માટે તૈયાર છે. નિક જોનાસે આ પ્રોજેક્ટમાં પ્રિયંકા ચોપરાની મદદની પ્રશંસા કરી છે. નિકે એ પણ ખુલાસો કર્યો કે ઘરે તેમની ચર્ચાઓ સામાન્ય ફિલ્મી વાતચીતોથી આગળ વધે છે. ‘આપણે ફક્ત પાત્રો વિશે વાત કરીએ છીએ, તમે જાણો છો, ઘરે સર્જનાત્મક બનવું ખૂબ જ સારું છે, અને પછી તમે તેને કાર્યક્ષેત્રમાં લાવી શકો છો.’

ડિસેમ્બર 2018 માં જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં એક ભવ્ય સમારોહમાં પ્રિયંકા અને નિક જોનાસે લગ્ન કર્યા હતાં. જાન્યુઆરી 2022 માં તેઓએ સરોગસી દ્વારા તેમની પુત્રી માલતી મેરીના આગમનની જાહેરાત કરી હતી. પ્રિયંકા ચોપરા હવે આ વર્ષે 2025માં બોલિવૂડ ફિલ્મમાં પણ જોવા મળી શકે છે. પ્રિયંકાએ પોતે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આ માહિતી આપી હતી. જેમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે મને ઘરની યાદ આવે છે.

મને આશા છે કે હું જલ્દી જ હિન્દી ફિલ્મોમાં પાછી ફરીશ. તમને જણાવી દઈએ કે બોલિવૂડ ફિલ્મોમાં ઘણું નામ કમાયા પછી,પ્રિયંકા ચોપરાએ હોલીવુડમાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યું. જે પછી તેણીએ સખત મહેનત કરી અને અંતે એક મોટી હિરોઈન બની. અત્યાર સુધી પ્રિયંકા ચોપરાએ ઘણા હોલીવુડ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. હવે પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં તેના પતિ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી શકે છે.

હવે જોવાનું એ છે કે આ ફિલ્મ ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થાય છે. જોકે, આ ફિલ્મની રિલીઝ તારીખ અંગે હજુ સુધી કોઈ અપડેટ બહાર આવ્યું નથી. હવે આ ફિલ્મનું નામ અને રિલીઝ તારીખ ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે.