અમદાવાદઃ બોપલમાં પ્રિવિલોન બિલ્ડર્સ દ્વારા 200થી વધુ લોકો સાથે 54 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા પોલીસે આ કૌભાંડની વ્યાપક તપાસ કરવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે.
પ્રિવિલોન બિલ્ડર્સ દ્વારા બે પ્રસ્તાવિત સ્કીમ મૂકવામાં આવી હતી જેમાં 14 માળના સેલેશિયલ સ્કીમ અને 22 માળની રિસમંડ બે સ્કીમનો સમાવેશ થાય છે. જે લોકો આ કૌભાંડનો ભોગ બન્યા છે તેમણે આ સ્કીમ્સમાં ફ્લેટ અને દુકાનો બુક કરાવી હતી. આ કૌભાંડમાં ભોગ બનેલાઓનો આંકડો વધીને 240 પર પહોંચી ગયો છે.
પોલીસે આ કૌભાંડ સંદર્ભે ઓર્ચિડ એલિગન્સમાં રહેતા હિરેન કટારિયાની ધરપકડ કરી હતી અને તેને 13 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યો હતો.આ અગાઉ પોલીસે આ કેસમાં શેલાના સોરેલ એપાર્ટમેન્ટમાં રહેતા જયદીપ કોટકની ધરપકડ કરી હતી. અમદાવાદ રૂરલના એસપી ઓમ પ્રકાશ જાટે અંગ્રેજી દૈનિક અમદાવાદ મિરરને જણાવ્યું હતું કે, આ કૌભાંડની તપાસ માટે એક SITની રચના કરવામાં આવી છે જેનું નેતૃત્વ DSP નીલમ ગોસ્વામી કરશે. આ ટીમમાં DSP પ્રકાશ પ્રજાપતિ, લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર આરએન કરમટીયા અને બોપલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર બીટી ગોહિલ સામેલ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓએ એક ભાગીદારી કંપની પ્રિવિલોન બિલ્ડકોન એલએલપી બનાવી હતી અને ઘુમામાં જમીનની માલિકી ન હોવા છતાં સેલેસ્ટિયલ અને રિચમંડ પ્રોજેક્ટ્સમાં ફ્લેટ અને દુકાનો બુક કરાવનારા પીડિતો સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) કર્યા હતા. આરોપીઓએ પીડિતો પાસેથી રોકડ, ચેક અને ટ્રાન્સફર દ્વારા બુકિંગ રકમ લીધી હતી. પ્રિવિલોન બિલ્ડર્સ દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રસ્તાવિત 14 માળની સેલેશિયલ સ્કીમમાં 642 ફ્લેટ અને 70 દુકાનો છે. જ્યારે રિચમન્ડ બે સ્કીમમાં 171 ફ્લેટ અને 34 દુકાનોની વાત કરવામાં આવી હતી. આરોપીઓએ અચાનક જ પ્રમોશનલ બોર્ડ્સ ઉતારી લીધા હતા અને જે લોકોએ આ પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું હતું તેમની સાથે છેતરપિંડી આચરી હતી.