2023ની મોટી ફિલ્મોની યાદીમાં સામેલ પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલે કર્યું છે. ‘બાહુબલી’ સ્ટારની ફિલ્મો સતત ફ્લોપ થયા પછી, તેના ચાહકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને આ ફિલ્મ લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. સિનેમાઘરોમાં આવતાની સાથે જ આ ફિલ્મે એક નવો ઈતિહાસ રચ્યો છે. પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘સાલારઃ પાર્ટ વન – સીઝફાયર’ને પહેલા દિવસે જ દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે શરૂઆતના દિવસે જ જોરદાર કમાણી કરી છે. અગાઉની ઘણી ફિલ્મોના ખરાબ પ્રદર્શન બાદ પ્રભાસે ‘સાલાર’થી શાનદાર કમબેક કર્યું છે.
એક્શન થ્રિલર ‘સાલારઃ પાર્ટ વન – સીઝફાયર’નો ક્રેઝ ફેન્સમાં વધી રહ્યો છે. પ્રથમ દિવસે થિયેટરોમાં દર્શકોની ભીડ જોવા મળી હતી. ફિલ્મને સારા રિવ્યુ મળી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પ્રશાંત નીલના નિર્દેશનમાં બનેલી ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ‘સાલાર’ની રિલીઝના પહેલા દિવસના પ્રારંભિક આંકડા આવી ગયા છે. Sacknilkના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ‘Saalar’ એ તેની રિલીઝના પહેલા દિવસે 95 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. હવે 95 કરોડની ઓપનિંગ સાથે પ્રભાસની આ ફિલ્મે વર્ષમાં રિલીઝ થયેલી લગભગ તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.
‘સાલાર’ વર્ષ 2023ની સૌથી મોટી ઓપનર બની છે. ‘જવાન’ની પહેલા દિવસની કમાણી 65.5 કરોડ રૂપિયા હતી. ‘પઠાણ’એ પહેલા દિવસે 55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ‘એનિમલ’એ પહેલા દિવસે 54.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સની દેઓલની ‘ગદર 2’ એ પહેલા દિવસે 40.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
પેન ઈન્ડિયા ફિલ્મ ‘સાલાર’નું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન અને શ્રુતિ હાસન, જગપતિ બાબુ રેડ્ડી સહિત ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ‘સાલાર’ની જબરદસ્ત ઓપનિંગ જોઈને લાગે છે કે પ્રભાસ ફરી પાટા પર આવી ગયો છે. આ સમાચાર ચોક્કસપણે પ્રભાસના ચાહકો માટે ખુશી લઈને આવ્યા હશે.