ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. એવામાં હવે પીએમ મોદી, કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ધૂઆધાર પ્રચાર કરશે. 20 નવેમ્બરે રવિવારે પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી મોદી સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે. એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં પીએમ મોદીની 4 સભા યોજાશે. વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પીએમ મોદી જંગી જાહેર સભા ગજવશે. 18 નવેમ્બરે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ ચૂંટણી સભાઓ ગજવશે. નડ્ડા સોમનાથ, સુરતની ચોર્યાસી અને રાજકોટની ઈસ્ટ વિધાનસભા બેઠક પર ચૂંટણી સભાઓ સંબોધશે.
ભાજપના સ્ટાર પ્રચારકો
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ ગઈ છે. ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રધાનમંત્રી મોદી, કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ, આસામના મુખ્યમંત્રી હેમંત શર્મા બિસ્વા સહિતના નેતાઓને સ્ટાર પ્રચારક બનાવાયા છે.
પરેશ રાવલ, હેમા માલિની, રવિ કિશન, મનોજ તિવારીના નામ સામેલ
આ સ્ટાર પ્રચારકોની યાદીમાં અભિનેતા પરેશ રાવલ, હેમા માલિની, રવિ કિશન, મનોજ તિવારીના નામ સામેલ છે. આ સિવાય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સ્ટાર પ્રચારક હશે.
ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડશે ભાજપ
અમિત શાહે કહ્યું હતું કે જો ગુજરાતમાં ભાજપને બહુમતી મળશે તો ભૂપેન્દ્ર પટેલ આગામી મુખ્યમંત્રી હશે. અમે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ. ગુજરાત ચૂંટણી માટે ભાજપે અત્યાર સુધીમાં 179 ઉમેદવારોની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. આ પછી 8 ડિસેમ્બરે પરિણામ આવશે.