કાશ્મીર પ્રવાસે PM મોદીએ સોનમર્ગ ટનલનું કર્યું ઉદઘાટન

શ્રીનગર: PM મોદીએ જમ્મુ-કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદઘાટન કર્યું હતું. આ સુરંગ શરૂ થવાથી સામાન્ય લોકોની સાથે સશસ્ત્ર દલોને લાભ થશે. Z મોડ સુરંગ શ્રીનગર-લેહ હાઇવે (NH-1) પર બનાવવામાં આવી છે. આ સુરંગ ડબલ લેન છે અને એની લંબાઇ 6.4 કિલોમીટર સુધીની છે. આ ડબલ લેન ટનલ શ્રીનગરને સોનમર્ગથી જોડશે.

શિયાળામાં સોનમર્ગમાં સ્નો ફોલને કારણે આ વિસ્તારમાં હાઇવે છ મહિના બંધ રહે છે, પણ હવે Z મોડ સુરંગનું ઉદઘાટન થતાં લોકોને ટનલથી કનેક્ટિવિટી મળશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન મળસે અને આ વિસ્તારમાં બેરોજગારી ખતમ થવાની અપેક્ષા છે. PM મોદી Z- મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યુ, ત્યારે જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબદુલ્લા, LG મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા. પીએમ મોદીની કાશ્મીર મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ ઘાટીમાં સુરક્ષા વધારી દીધી છે. આ ટનલનું ઉદ્ઘાટન કર્યા બાદ PM નરેન્દ્ર મોદીએ ટનલનું નિરીક્ષણ કર્યું હતું.

સોનમર્ગ અને ગગનગીરને જોડતી આ ટનલ 8650 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે અને તેમાં કટોકટીની પરિસ્થિતિઓ માટે 7.5 મીટર પહોળો સમાંતર માર્ગ છે. આખા વર્ષ દરમિયાન લદ્દાખને સડક માર્ગે જોડવાની સાથે આ ટનલ દેશની સંરક્ષણ જરૂરિયાતો અને પ્રાદેશિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ ટનલ ગેમ ચેન્જર સાબિત થશે

નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે (NHIDCL)એ આ ટનલને ઈજનેરીની અજાયબી અને પ્રદેશ માટે ગેમ ચેન્જર ગણાવી છે. એમ પણ કહ્યું કે આ પ્રોજેક્ટ માત્ર મુસાફરીના અનુભવને જ નહીં પરંતુ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ વચ્ચે સામાજિક અને આર્થિક વિકાસને પણ વેગ આપશે. Z- મોડ ટનલ સાથે ઝોજિલા ટનલનું કામ 2028 સુધીમાં પૂર્ણ થશે. આ પ્રાદેશિક સંરક્ષણ લોજિસ્ટિક્સ અને પરિવહનને સરળ બનાવશે. તેનાથી લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર વચ્ચે જોડાણ અને વિકાસને નવી દિશા મળશે.