PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે બેંગલુરુ મેટ્રોની પિંક લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સહિત અન્ય નેતાઓ સાથે મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. ખાસ વાત એ છે કે મેટ્રોમાં સવાર થતાં પહેલાં પીએમ મોદીએ કાઉન્ટર પર UPI દ્વારા ટિકિટ ખરીદી હતી. તેમણે કહ્યું હતું કે મેટ્રો કનેક્ટિવિટીથી લોકોના સમય અને નાણાં બંનેની બચત થાય છે.

કેટલા કિલોમીટર લાંબી છે પિંક લાઇન?
બેંગલુરુ મેટ્રોની આ પિંક લાઇન કુલ 21.25 કિલોમીટર લાંબી છે, જેમાં કુલ 18 સ્ટેશનનો સમાવેશ થાય છે. વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા એલિવેટેડ કોરિડોરમાં 6 સ્ટેશન છે, જ્યારે અંડરગ્રાઉન્ડ સેક્શનમાં 12 સ્ટેશન હશે. જોકે, અંડરગ્રાઉન્ડ સેક્શનનું નિર્માણકાર્ય હજુ ચાલુ છે.
આ નવી મેટ્રો લાઇનથી બન્નેરઘટ્ટા રોડથી ઇલેક્ટ્રોનિક સિટી કોરિડોર અને મેટ્રો નેટવર્કના અન્ય વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોને વધુ સારી કનેક્ટિવિટી મળવાની અપેક્ષા છે. આ લાઇન શરૂ થવાથી બેંગલુરુના મેટ્રો નેટવર્કની કુલ લંબાઈ વધીને 103.6 કિલોમીટર થઈ જશે.
કેટલા કરોડના ખર્ચે તૈયાર થઈ પિંક લાઇન?
કલેના અગ્રહારા અને તાવરેકેરેને જોડતી આ પિંક લાઇન અંદાજે 3,470 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. તેના ઉદ્ઘાટનથી બેંગલુરુના મેટ્રો નેટવર્કમાં મોટો વિસ્તાર થયો છે.
કર્ણાટકને 15,600 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
કર્ણાટકના પ્રવાસ દરમિયાન PM નરેન્દ્ર મોદી 15,600 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત સુવિધા અને વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ તથા શિલાન્યાસ પણ કરશે.આ કાર્યક્રમોમાં પિંક લાઇન મેટ્રો અને વંદે ભારત ટ્રેનની શરૂઆત ઉપરાંત ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ પુનર્વિકસિત કરવામાં આવેલા ચાર રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન પણ સામેલ છે.
સામાન્ય લોકો માટે ક્યારથી શરૂ થશે સેવા?
પિંક લાઇનના ઉદ્ઘાટન બાદ હવે સામાન્ય મુસાફરો માટે મેટ્રો સેવા ક્યારથી શરૂ થશે તે અંગે સત્તાવાર સમયપત્રકની જાહેરાતની રાહ જોવાઈ રહી છે.






