‘વન નેશન, વન ઈલેક્શન’ : સમિતિ કાયદા મંત્રાલયના અધિકારીઓ રામનાથ કોવિંદને મળ્યા

વન નેશન, વન ઈલેક્શન પર દેશભરમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. દરમિયાન, કાયદા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ રવિવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. કોવિંદ લોકસભા, રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ માટે એકસાથે ચૂંટણી યોજવાની શક્યતાને જોવા માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ છે. એક સમાચાર એજન્સી મુજબ કાયદા સચિવ નિતેન ચંદ્રા, વિધાન સચિવ રીટા વશિષ્ઠ અને અન્ય અધિકારીઓએ કોવિંદને જણાવ્યું કે તેઓ સમિતિ સમક્ષ એજન્ડા પર કેવી રીતે આગળ વધશે. નિતેન ચંદ્રા ઉચ્ચ સ્તરીય સમિતિના સચિવ પણ છે અને રીટા વશિષ્ઠનો વિભાગ ચૂંટણીના મુદ્દાઓ, લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમ અને સંબંધિત નિયમો સાથે કામ કરે છે.

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટે સમિતિની રચના

કેન્દ્ર સરકારે શનિવારે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ, મ્યુનિસિપલ સંસ્થાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એકસાથે કરાવવાના મુદ્દા પર ધ્યાન આપવા માટે 8 સભ્યોની સમિતિની રચના કરી હતી. આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે અને તેમાં ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં પૂર્વ વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને ભૂતપૂર્વ નાણાં પંચના અધ્યક્ષ એનકે સિંહ સભ્યો હશે.

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સમિતિમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને સમિતિમાં સામેલ ન કરવા પર પણ નિશાન સાધ્યું હતું. આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકારે વન નેશન, વન ઈલેક્શન પર એક સમિતિની રચના કરી છે. આ સાથે જ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે.કોંગ્રેસ વન નેશન, વન ઈલેક્શનને લઈને મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે.

સમિતિ શું કામ કરશે?

આ સમિતિ અવિશ્વાસ પ્રસ્તાવ, પક્ષપલટા વિરોધી કાયદો અને લોકસભાની પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરશે અને તે મુજબ તેના સૂચનો આપશે. આ ઉપરાંત, સમિતિ લોકસભા, વિધાનસભા, મ્યુનિસિપલ સંસ્થાઓ અને પંચાયતોની ચૂંટણીઓ એકસાથે યોજવાની સંભાવના પર વિચારણા કરશે અને ભલામણ કરશે. કમિટિનો કાર્યકાળ કેટલો રહેશે તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. જો કે, કમિટીને વહેલી તકે તેનો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે.