મુંબઈ: શિબિરમાં કલાપ્રેમીઓને જૂની રંગભૂમિનાં ગીતોનું જ્ઞાન પીરસાયું

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ક.જ.સોમૈયા કૉલેજના સહયોગથી 11 જુલાઈના રોજ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગભૂમિના ગીતો એ સુગમ સંગીત નથી. સુગમ સંગીત બેસીને ગવાય. જૂની રંગભૂમિનાં ગીતોમાં ગાન પણ છે અને અભિનય પણ છે,’એવું ગુજરાતી તખ્તાના, સિરિયલના તથા ફિલ્મોના વરિષ્ઠ કલાકાર ઉત્કર્ષ મઝુમદારેમાં આ શિબિરમાં જણાવ્યું હતું.એ સમયે સંવાદ પણ ઊંચા સ્વરે બોલાતા અને ગાન પણ મોટેથી થતું, કારણ ભજવણી વખતે માઈક ન હતાં ‘ એવું એમણે ઉમેર્યું હતું.

જૂની રંગભૂમિના સંવાદ બોલાવડાવીને ગાયકે પોતાના કોચલામાંથી કઈ રીતે બહાર આવવાનું છે એ એમણે શીખવ્યું હતું. એમણે કહ્યું હતું કે રજૂઆત કરનાર શ્રોતાથી એક ફૂટ ઉપર મંચ પર ઊભો છે એટલે કલાકારની ઉચ્ચતા, એનો આત્મવિશ્વાસ એની રજૂઆતમાં દેખાવો જોઈએ.

વરિષ્ઠ કલાકાર મીનળ પટેલે પણ શિબિરનાં સહભાગીઓને ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજમહેલોમાં ‘ગીત સાભિનય રજૂ કરી સમજાવ્યું હતું. એમના સહજતાથી શીખવેલા ગીતને વિદ્યાર્થીનીઓએ મિનીટોમાં આત્મસાત કરી મંચ પરથી રજૂ કર્યું હતું.મીનળબહેને સહુને જણાવ્યું હતું કે કલાકાર આ અવકાશના રાજા છે એટલે હાથની, શરીરની મુવમેન્ટ સિમીત ન રાખવી અને દિલ ઠાલવી ગીત સાથે અભિનય કરવો.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મઝુમદાર પોતે સારા ગાયક તથા સંતુરવાદક છે. એમણે પણ માસ્ટર અશરફખાનની લોકપ્રિયતાની વાત કરી ‘ એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી ‘ ગીતનાં બે સ્વરાંકન રજૂ કર્યાં.

આ અગાઉ કાર્યક્રમની ભૂમિકા બાંધતા સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે,’લોકકલાની વાત કરીએ તો ભવાઈને 14મી સદીમાં અસાઈત ઠાકરે પ્રચલિત કરી. ગુજરાતની આ લોકકલા સદીઓથી ટકી રહી છે. છેક ઓગણીસમી સદીના છઠ્ઠા સાતમા દાયકામાં પારસીઓએ પારસી ગુજરાતી નાટકો ભજવવા શરૂ કર્યા. 1878માં ગુજરાતી નાટક ભજવવાનાં શરૂ થયાં જેમાં ગીતોનું પ્રાધાન્ય હતું. આજનો વિદ્યાર્થી ૩૦ વર્ષ પછી પણ આપણા આ કલાકારોની માફક નવી પેઢીને રંગભૂમિના જૂનાં ગીતો શીખવી શકે એ અમારો આશય છે ‘

ક.જે.સોમૈયા મહાવિદ્યાલય તરફથી ડૉ.પવારે પણ શિબિરના સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.એમણે કહ્યું કે વાંચન તમારા ચિત્તને વધુ સતેજ બનાવે છે, ધારદાર બનાવે છે પણ ગાન અને અભિનય,બુદ્ધિ સાથે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે.મહાવિદ્યાલયનાં ડૉ. હિતેશ પંડ્યા, ડૉ.પ્રીતિ દવે તથા પ્રો.સાગર ચોટલિયા તથા એમનાં વિદ્યાર્થીઓએ આયોજનમાં પુરો સહકાર આપ્યો હતો.હાર્મોનિયમ પર સંગત કાનજીભાઈ ગોઠીએ કરી હતી.અકાદમીના સભ્ય નિરંજન પંડ્યા પણ ઉપસ્થિત હતા.કાર્યક્રમના પ્રોડક્શન ઈનચાર્જ નીલેશ પટેલ હતા.

આ શિબિરમાં વિદ્યાર્થી અને વયસ્કો મળીને આશરે 50 જેટલા કલાપ્રેમીઓએ ભાગ લીધો હતો. આ શિબિરનો બીજો ભાગ 18 જુલાઈએ યોજાશે. સંગીત તથા ગાનમાં રસ ધરાવતા ભાવકો કે.જે.સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલય, વિદ્યાવિહારની શિબિરમાં હાજરી આપી શકે છે.