ODI WC 2023 : પ્રથમ નોરતે જ ભારત પાકિસ્તાન મેચથી ગરબાના આયોજકો મૂંઝાયા

ભારતમાં આગામી 5 ઓકટોબરથી શરૂ થનાર વનડે વર્લ્ડ કપના શેડ્યુલની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. સૌને આતુરતા હતી તે મેચ ભારત અને પાકિસ્તાન 15 ઓકટોબરના રોજ અમદાવાદમાં રમાશે. ઉલ્લેખનીય છે કે તે જ દિવસે નવરાત્રીનો પ્રથમ દિવસ છે. ગુજરાતભરમાં પ્રાચીન તથા અર્વાચીન રાસોત્સવના આયોજન થતાં હોય છે. આ ગરબાના આયોજનોને 12 વાગ્યા સુધી ચાલુ રહેવાની જ છૂટ અપાઈ છે ત્યારે ઈન્ડિયા પાકિસ્તાન વચ્ચેનો 50 ઓવરનો વર્લ્ડ કપ મેચ અંદાજે 11 વાગ્યે પૂરો થશે. અમદાવાદમાં આશરે 1.30 લાખ લોકો રૂબરૂ ગ્રાઉન્ડ પર મેચ નિહાળશે તો રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, પાર્ટી પ્લોટ સહિત અનેક જગ્યાએ મેચનું પ્રસારણ થશે. ત્યારે આયોજકોને રાસોત્સવમાં પાંખી હાજરી મળે તો નવાઈ નહિ. રવિવારના દિવસે જ નવરાત્રી શરૂ થાય છે અને ભારત પાક. મેચ પણ રમાશે.

નવરાત્રીનો સમય વધારવાની થઈ શકે છે માંગ

ઉલ્લેખનીય છે કે, પ્રથમ નોરતાએ જ અમદાવાદ ખાતે ભારત અને પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મેચ રમાવાનો છે. ત્યારે પ્રથમ નવરાત્રીના દિવસે જ મેચના કારણે ગરબે રમવા આવનાર ખેલૈયાઓની સંખ્યા ગ્રાઉન્ડ ઉપર પાંખી જોવા મળી શકે છે ત્યારે આ વખતે ગરબાનું આયોજન કરનારા આયોજકો પ્રથમ દિવસે અથવા સીઝન દરમિયાન ગરબા ચલાવવાના સમયમાં વધારો કરી આપવાની માંગ કરી શકે છે.

અમદાવાદમાં પ્રાચીન અને અર્વાચીન બંને ગરબાનું મહત્વ

મહત્વનું છે કે રાજ્યભરમાં છેલ્લા એકથી દોઢ દાયકાથી નવરાત્રીના મોટાપાયે આયોજન થઈ રહ્યા છે. સૌથી વધુ ગરબાઓ વડોદરા અને અમદાવાદ તથા ગાંધીનગરમાં રમવામાં આવે છે અને અહીંના પ્રખ્યાત ગરબાઓ હોય છે તેમાં પણ અમદાવાદમાં પ્રાચીન અને અર્વાચીન બંને ગરબાનું મહત્વ છે ત્યારે આ વખતે અમદાવાદ ખાતે પ્રથમ નોરતાએ જ ભારત પાકિસ્તાન વચ્ચે મેચ હોય લોકો મોટી સંખ્યામાં આ મેચ જોવા આવનાર હોય ગરબામાં ખલૈયાની હાજરી પાંખી જોવા મળી શકે છે.