નવરાત્રિઃ સૂના છે મંડપો ને સૂના બજાર

અમદાવાદઃ શહેરના પૂર્વ , પશ્ચિમ અને મધ્ય માં ઉત્સવો અને તહેવાર માં સિઝનેબલ ચીજવસ્તુઓ નો વેપાર ધંધો કરતાં હજારો પરિવારો છે, જે હાલની કોરોનાની મહામારીના કારણે ભારે મુસીબતોનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2020 ના મોટાભાગના ઉત્સવો, તહેવારની લોકો ઉજવણી કરી શક્યા નથી. હવે નવરાત્રિ અને દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉત્સવને સુશોભિત અને સુગંધિત કરતી ચીજવસ્તુઓની ખરીદીમાં પણ બજારમાં ભારે મંદી જોવા મળી રહી છે.


નવરાત્રિ મહોત્સવમાં ઉપયોગી સામગ્રી પહેલાં કેટલાક પરિવાર ટોપલાં, લારી અને દુકાનો માં વેચતા હતા. હવે જૂદા જૂદા વિસ્તારોમાં વિશાળ જગ્યાઓમાં મંડપમાં તહેવાર ને અનુરૂપ સુશોભન, શણગાર અને પૂજાની સામગ્રીનું વેચાણ થાય છે.
પરંતુ અત્યારે હાલત એવી છે વિશાળ જગ્યાઓમાં મંડપ ભાડે રાખીને બેઠલા વેપારીઓને આ સિઝનમાં પણ કોરોનાના કારણે કમાણી થતી નથી.

વર્ષોથી સિઝનેબલ ચીજવસ્તુઓનો વેપાર ધંધો કરતાં ચિરાગ પટણી ચિત્રલેખા. કોમ ને કહે છે આ વર્ષે નવરાત્રિ મહોત્સવને લગતી તમામ ચીજવસ્તુઓનો માલ ભર્યો છે. જૂદા જૂદા હાર, ચૂંદડીઓ, પૂજાની સામગ્રી તેમજ મંડપ સુશોભનની વસ્તુઓ પણ મોટા પ્રમાણમાં છે. વેરાઇટી અને ક્વોલિટીવાળી ઉત્સવની ચીજ વસ્તુઓ છે, પણ વેચાણ હાલ પચાસ ટકા કરતાં પણ ઓછું છે.

એમાંય સરકારી ગાઇડલાઇન મુજબ મોટા આયોજનો થઇ શકશે નહીં એવી જાહેરાતને કારણે છેલ્લી ઘડીએ પણ માલ વેચાવવાની સંભાવના ઓછી છે. બજારમાં ફરતાં એવું લાગે છે કે મોટા મોટા મંડપ ગ્રાહકો વગર સાવ ખાલીખમ જોવા મળે છે. સૂના સૂના ભાસે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)