નીતા અંબાણીની નવી આરોગ્ય યોજના હેઠળ મળશે ફ્રી સ્ક્રીનિંગ અને સારવાર

મુંબઈ: રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ બાળકો, કિશોરીઓ અને મહિલાઓ માટે આવશ્યક સ્ક્રીનિંગ અને સારવારને પ્રાથમિકતા આપતી નવી આરોગ્ય સેવા યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની 10મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે નીતા એમ. અંબાણીએ આ નવી આરોગ્ય સેવા યોજનાનો આરંભ કર્યો છે. આ યોજના અંતર્ગત 50,000 બાળકોમાં જન્મજાત હૃદયની બિમારીના નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને સારવાર, 50,000 મહિલાઓમાં બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરના નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને સારવાર તેમજ 10,000 કિશોરીઓ માટે નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સર રસીકરણના નીતા એમ. અંબાણીએ શપથ લીધા છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે,”છેલ્લા 10 વર્ષથી સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દરેક ભારતીય માટે વિશ્વકક્ષાની આરોગ્ય સેવાને ઉપલબ્ધ તેમજ કિફાયતી બનાવવાના અમારા ધ્યેયને સાકાર કરી રહી છે. અમે સાથે મળીને લાખો જીવનને સ્પર્શ કર્યો છે તેમજ અગણિત પરિવારોમાં નવી આશા જન્માવી છે. આ સીમાચિહ્નની ઉજવણીની સાથે અમે ગરીબ સમુદાયના બાળકો અને મહિલાઓ માટે નિઃશુલ્ક નવી આરોગ્ય સેવા યોજના શરુ કરી છે. અમારું માનવું છે કે, સારું આરોગ્ય એ સમૃદ્ધ રાષ્ટ્રનો પાયો છે, અને સ્વસ્થ મહિલાઓ તથા બાળકો ચેતનવંતા સમાજની આધારશિલા છે.”

સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે સર્વશ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો એક દાયકો પૂર્ણ કર્યો છે. છેલ્લા એક દાયકામાં અમારી હોસ્પિટલે 1.5 લાખથી વધુ બાળકો સહિત 2.75 મિલિયન ભારતીયોના જીવનને સ્પર્શ કર્યો છે. સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ તેના દર્દીઓને શ્રેષ્ઠતમ સારવાર પૂરી પાડવામાં અગ્રેસર રહી છે, જેને અત્યાધુનિક ટેક્નોલોજી વડે સાકાર કરતા ગત એક દાયકામાં અપ્રતિમ સીમાચિહ્નો હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે અસંખ્ય સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમાં 500થી વધુ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ હાથ ધરવા ઉપરાંત 24 કલાકની અંદર 6 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનો રેકોર્ડ સામેલ છે જેના થકી અનેક લોકોના જીવ બચાવ્યા છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ભારતમાં સતત નંબર 1 મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે પણ માન્યતા પ્રાપ્ત થઈ છે.

જન્મજાત હૃદયની બિમારી એ ભારતમાં ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા છે, જેનો મોર્બિડિટી તેમજ મૃત્યુદર ઘણો ઊંચો છે. દેશમાં દર 100માંથી લગભગ 1 નવજાત શિશુને તેની અસર થાય છે. આ સમયે જ, ભારતીય મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર એ સર્વવ્યાપક કેન્સર છે, જેનો આંક મહિલાઓને થતા તમામ પ્રકારના કેન્સરના 25 ટકાથી વધુનો છે. ICMRના તાજેતરના અભ્યાસમાં નોંધાયું છે કે, કેન્સરના જે દર્દીઓમાં વહેલીતકે નિદાન થાય તેમની આવરદા અંતિમ તબક્કે કેન્સરનું નિદાન કરાયેલાની તુલનામાં પાંચ વર્ષ વધી જવાની 4.4 ગણી વધુ શક્યતા રહેલી છે, જેના થકી આવા દર્દીઓ માટે વધુ સારા પરિણામો પ્રાપ્ત કરવામાં સમયસર નિદાન અને સારવારની પ્રાપ્તિ અત્યંત મહત્ત્વની બની જાય છે. વર્ષ 2025માં ભારત માટે સર્વાઇકલ કેન્સરનો અંદાજિત બોજો 1.5 મિલિયન વિકલાંગતા-સમાયોજિત જીવન દિવસો હોવાનું એક પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું છે.