યસ બેંક સંકટ એ સરકારનું પકોડાનોમિક્સઃ કોંગ્રેસ

નવી દિલ્હી: યસ બેંક પર આવેલા સંકટને પગલે બેંકના ગ્રાહકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. કોગ્રેસના નેતા જયવીર શેરગીલે મોદી સરકાર પર નિશાન તાક્યું છે. શેરગીલે તેમના ટ્વીટમાં કહ્યું કે, બેંકોની ખરાબ સ્થિતિ માટે બીજેપી સરકારની પકોડાનોમિક્સને ધન્યવાદ જે ભારતને આર્થિક બંદીની રાજધાની બનાવવાની દિશામાં કામ કરી રહી છે. તેમણે પૂછ્યું કે, હેવ વધુ કેટલી બેંકો કંગાળ થશે? હજુ કેટલા ઉદ્યોગો બંધ થશે. નાણામંત્રીના રાજીનામાં પહેલા હજું દેશમાં કેટલી બેરોજગારી ફેલાશે?

અન્ય એક ટ્વીટમાં શેરગીલે લખ્યું કે, ભાજપે છેલ્લા 6 વર્ષમાં કરેલી નારેબાજીની હકીકત: 2014માં 15 લાખ લે લો (તમામના ખાતાઓમાં), 2018માં પકોડા લે લો (બેરોજગારો માટે), 2020માં તાળા લે લો (બેંક અને ઉદ્યોગો માટે)  તેમણે આગળ લખ્યું ભાજપની ભૂલ નાણાકીય નીતિઓને પગલે ભારતના લોકો તેમના ખીસ્સામાંથી ભોગવી રહ્યા છે.

મહત્વનું છે કે, ખાનગી ક્ષેત્રની યસ બેંક આ સમયે નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ યસ બેંકમાંથી નાણા ઉપાડની મર્યાદા નક્કી કરી દીધી છે. આરબીઆઈએ આ આદેશ પછી હવે ગ્રાહકો તેમના ખાતામાંથી 50 હજાર રૂપિયાથી વધુ નાણાનો ઉપાડ નહીં કરી શકે. આરબીઆઈ અનુસાર આ નાણા ઉપાડવાની મર્યાદા 5માર્ચથી 3 એપ્રિલ સુધી લાગુ રહેશે. આ ઉપરાંત આરબીઆઈએ બેંકના કારોબાર પર પણ અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે. મહત્વનું છે કે, યસ બેંક છેલ્લા ઘણા સમયથી નાણાકીય સંકટનો સામનો કરી રહી છે.