નવી દિલ્હી – સંસદમાં હું કોઈને પણ ધાર્મિક નારા લગાવવાની પરવાનગી નહીં આપું એવું મહત્ત્વનું નિવેદન લોકસભાના નવા ચૂંટાયેલા સ્પીકર ઓમ બિરલાએ આજે કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત્ બે દિવસમાં લોકસભામાં નવા ચૂંટાયેલા સભ્યો શપથ ગ્રહણ કરતા હતા ત્યારે અનેક વાર ધાર્મિક નારા લગાવવામાં આવ્યા હતા.
ઓમ બિરલાએ કહ્યું છે કે હું એવું માનતો નથી કે સંસદ એવી જગ્યા છે જ્યાં કોઈ પણ પ્રકારના નારા લગાવી શકાય. વિરોધ વ્યક્ત કરવા માટે અલગ જગ્યા હોય છે. સરકારના વિરોધમાં કોઈને જે કંઈ બોલવું હોય તે બોલી શકે છે, પરંતુ અહીંયા નહીં.
આગામી દિવસોમાં નારા લગાવાશે ખરા? એવા સવાલના જવાબમાં બિરલાએ કહ્યું કે એ થશે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું નિયમાનુસાર સંસદમાં કામ કરીશ.
ગયા મંગળવારે લોકસભામાં શપથ લેતી વખતે અનેક સભ્યોએ ધાર્મિક નારા લગાવ્યા હતા. AIMIMના પ્રમુખ અને હૈદરાબાદના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં શપથ લીધા બાદ અલ્લાહ-હુ-અકબર નારો લગાવ્યો હતો. ઓવૈસી શપથ લેતા હતા ત્યારે બીજા સભ્યોએ જય શ્રીરામ, ભારત માતા કી જય, વંદે માતરમ્ નારા લગાવ્યા હતા. ઓવેસીએ ત્યારબાદ જય ભીમ, કબીર અલ્લાહ-હુ-અકબર, જય હિંદ એવા નારા લગાવ્યા હતા. હેમા માલિનીએ શપથ લીધા બાદ ‘રાધે રાધે’ નારા લગાવ્યા હતા.